જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.9 અને રોડ 10 માં રહેતા તરૂણે તેના ઘરે અગમ્યકારણોસર પંખાના હુંકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં એરફોર્સ સ્ટેશનમાં રહેતા પ્રૌઢે તેના ઘરે ડીસ ટીવીના કેબલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના બાંગા ગામની સીમમાં પાંચ વર્ષના બાળકને સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં આવેલા પટેલ કોલોની શેરી નં.9 અને રોડ નં.10 માં રહેતાં ઈનાયત ફિરોજભાઈ કોરેજા (ઉ.વ.15) નામના તરૂણે ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે અગમ્યકારણોસર પંખાના હૂંકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ફિરોજ કોરેજા દ્વારા જાણ કરાતા હેકો એફ.એમ. ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરમાં એરફોર્સ સ્ટેશન 1 માં આવેલા નર્મદા બિલ્ડિંગ રૂમ નં.1 માં રહેતા રામચંદ્ર મહેન્દ્રસિંહ (ઉ.વ.54) નામના પ્રૌઢે ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે અકળ કારણોસર રૂમમાં પડેલા ડીસ ટીવીના કેબલ વડે પંખામાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. બનાવની જાણના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આનંદન ચંદ્રનના નિવેદનના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના બાંગા ગામના સીમ વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા ચુડાસમા પરિવારના દક્ષરાજસિંહ સહદેવસિંહ ચુડાસમા (ઉ.વ.5) નામના બાળકને ગુરૂવારે રાત્રિના સમયે ઝેરી સાપ કરડી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગે ખુમાનસંગ ચુડાસમા દ્વારા જાણ કરાતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.