જામનગર શહેરના હનુમાનટેકરી વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાન બે વર્ષથી થતી પેટની તકલીફથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ખંભાળિયા તાલુકાના વાડીનારમાં રહેતાં પ્રૌઢનું મોટી ખાવડી ગામની સીમમાં મજૂરી કામ કરતા સમયે કોઇ કારણસર મોત નિપજતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં અને મજૂરી કામ કરતા પ્રફુલ્લભાઈ લક્ષ્મણભાઈ ડૈયા (ઉ.વ.26) નામના યુવાનને છેલ્લાં બે વર્ષથી પેટની તકલીફ રહેતી હતી અને આ તકલીફની સારવાર કરાવવા છતાં સારું ન થતા જિંદગીથી કંટાળીને રવિવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા લક્ષ્મણભાઈ દદ્વારા જાણ કરવામાં આવતા હેકો એચ એ પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના ધાર વિસ્તારમાં રહેતો ઓસમાણભાઈ કરીમભાઈ ફકીર (ઉ.વ.52) નામના મજૂરી કામ કરતા પ્રૌઢ રવિવારે બપોરના સમયે મોટી ખાવડી વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં મજૂરી કામ કરતા હતાં તે દરમિયાન કોઇ કારણસર બેશુદ્ધ થઈ ગયા હતાં. પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર એયાન ફકીર દ્વારા જાણ કરાતા હેકો એલ જી જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.


