Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના હાપામાં બાળ લગ્ન થતા અટકાવતી મહિલા હેલ્પલાઇન

જામનગરના હાપામાં બાળ લગ્ન થતા અટકાવતી મહિલા હેલ્પલાઇન

બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ : બે વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ એક લાખ સુધીના દંડની જોગવાઇ

- Advertisement -

જામનગર નજીક હાપા લાલવાડી વિસ્તારમાં એક પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવાઇ રહ્યા હતા.જે દરમિયાન મહિલા હેલ્પલાઇનની ટીમે પહોચી અને જામનગરની સમાજ સુરક્ષા કચેરીની ટીમને પણ સ્થળ પર બોલાવી લીધા પછી બન્ને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવ્યા હતા, જ્યારે માત્ર ૧૪ વર્ષની સગીરાને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી.

- Advertisement -

જામનગર પંથકમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હાપા નજીક લાલવાડી વિસ્તારમાં આજે બપોરે એક ૧૪ વર્ષની સગીરાના તેમજ ૨૨ વર્ષના યુવકના બાળ લગ્ન થતા અટકાવ્યા હતા, અને કન્યાના પરિવારજનોને કન્યા પુખ્ત વયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા માટે સમજણ આપી હતી. સૌપ્રથમ ૧૮૧ અભયમ્ ટીમને બાળ લગ્નની જાણકારી મળી હતી, અને ઘટના સ્થળે પહોંચી જઈ અને વાલીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા તુરંત ૧૦૯૮ ચાઈલ્ડ લાઇનની ટીમને જાણ કરીને થઈ રહેલા બાળ લગ્નની માહિતી આપી હતી.

જેથી સમાજ સુરક્ષા વિભાગની ટીમના સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ, તેમજ સમાજ સુરક્ષા કચેરીના એમ. આર. પટેલ વગેરે સ્થળ પર દોડી ગયા હતા, અને ૨૨ વર્ષના યુવક તેમજ ૧૪ વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા હતા, અને તેઓને સગીરા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવા માટેની સમજ આપી હતી.

- Advertisement -

એટલું જ માત્ર નહીં, બંને પરિવારો સાથે મંત્રણા કરીને સમજ આપ્યા પછી હાલ કન્યા કે જે સગીર વયની હતી, તેને વિકાસ ગૃહમાં મોકલી આપી છે, અને જ્યારે પુખ્ત વયની થશે ત્યારે જ તેણીના લગ્ન કરવા માટેની પરિવારજનોએ પણ સહમતી દર્શાવી હતી. જેથી સમાજ સુરક્ષા કામગીરીને લઇને બાળ લગ્ન અટકાવ્યા હતા.

આ અગાઉ તા. ૧૧.૫.૨૦૨૨ ના દિવસે જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ૧૬ વર્ષની કન્યાના બાળ લગ્ન થઈ રહ્યા હોવાની ૧૮૧ અભયમ્ ટીમને જાણકારી મળતા અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી, ત્યાર પછી જામનગરની સમાજ સુરક્ષા વિભાગની કચેરીને જાણ કરાતાં સમાજ સુરક્ષા વિભાગની ટીમ પાટણ ગામે પહોંચી ગઈ હતી, અને ૧૬ વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવ્યા હતા, અને બન્ને પરિવાર ને કાયદાકીય જાણકારી આપીને સગીરા જ્યારે પુખ્ત વયની થાય ત્યારેજ તેણીના લગ્ન કરાવવા માટે પરિવારજનો ને સમજ આપી હતી, અને તેઓ પાસેથી બાંહેધરી મેળવી લીધી હતી.

- Advertisement -

બંને ઘટના સ્થળે ૧૮ વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેમના પરિવારને સમજાવવામાં આવ્યા હતા અને બાદમાં સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું.

બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ જોઇએ તો સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક-યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ-બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર ૦૨ વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા ૦૧ લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું?

સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર કે આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે, અથવા થાય છે, તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી (૦૨૮૮-૨૫૭૦૩૦૬), જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ની કચેરી (૦૨૮૮-૨૫૭૧૦૯૮), ચાઈલ્ડ હેલ્પ લાઈન (૧૦૯૮) પર આપ લેખિત ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળ લગ્ન નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular