જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં રહેતા મહિલાએ સવા બે વર્ષ પહેલાં વ્યાજે લીધેલા રૂપિયા 50 હજાર વ્યાજ સહિત રૂપિયા 80 હજાર ચૂકવી દીધા છતાં વધુ રૂા. 50 હજારની માંગણી કરી ચેક રીટર્ન કરાવી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં રહેતાં રમીલાબેન શાંતિલાલ પરમાર નામના મહિલાએ સવા બે વર્ષ પહેલાં પરાગ ભરત નાખવા નામના વ્યાજખોર પાસેથી રૂપિયા 50 હજાર દરરોજના રૂપિયા 500 વ્યાજ લેખે લીધા હતા અને આ રકમ પેટે બેન્ક ઓફ બરોડાના ત્રણ કોરા ચેક સહી કરીને આપ્યા હતા. ઉપરાંત મહિલાએ આજદિવસ સુધી રૂપિયા 80 હજાર ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા વધુ રૂપિયા 50 હજારની પઠાણી ઉઘરાણી કરી રૂપિયા 1.35 લાખનો ચેક રીટર્ન કરાવી ફરીયાદ કરી હતી અને રૂપિયા નહીં આપો તો ચેક રીટર્ન કરીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે આખરે મહિલાએ વ્યાજખોર વિરૂઘ્ધ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. વી. એમ. રાવલ તથા સ્ટાફએ વ્યાજખોર વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


