જામજોધપુર તાલુકાના જામસખપુર ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરની ફરતે દિવાલનું કામ ચાલુ હતું તે દરમિયાન દાદાનો દિવો કરવા જતા પ્લાસ્ટિકની બોટલમાં આગ લાગતા દાઝી જવાથી મહિલાનું મોત નિપજ્યું હતું.
મૂળ પોરબંદર જિલ્લાના કોલીખડા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના જામસખપુરમાં રહી મજૂરી કામ કરતા નર્મદાબેન રાજુભાઈ સાદિયા (ઉ.વ.37) નામના મહિલાએ દેવરાજભાઈ રબારીની વાડીમાં ખેતરની ફરતે દિવાલનું કામ રાખ્યું હતું અને તે દરમિયાન શનિવારે સાંજના સમયે મહિલા તેણીના ઘરે હનુમાન દાદાનો દિવો કરવા જતી હતી ત્યારે પ્લાસ્ટિકની બોટલમાં રહેલ પેટ્રોલમાં દિવાની જાળ અડી જતા આગ લાગતા મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી બાદમાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રેમજીભાઈ વેજાભાઈ ચોવટીયા દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.