બેટદ્વારકામાં રીક્ષાચાલકે પોતાની રીક્ષા બેફીકરાઈ પૂર્વક ચલાવતા તેમાં બેસેલા મહિલા રીક્ષામાંથી ફંગોળાઈ જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામના રહીશ ચંદ્રિકાબેન ભગુભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના 65 વર્ષના મહિલા તાજેતરમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન ગત તા. 8 માર્ચના રોજ તેઓ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે માર્ગમાં જી.જે. 37 યુ. 5644 નંબરના એક રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા ગોલાઈમાં તેણે અચાનક કાવો (વળાંક) લેતા ચંદ્રિકાબેન રીક્ષામાંથી ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર જયેશભાઈ ભગુભાઈ પટેલ (ઉ.વ. 44, રહે. ઘોઘાવાડા, તા. કઠલાલ)ની ફરિયાદ પરથી બેટ દ્વારકા પોલીસે ઓટો રીક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.