ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતા દંપતી તેના બાઈક પર હરીપર ગામથી પસાયા ગામ તરફ જતા હતાં તે દરમિયાન ચાલુ બાઈક પર પાછળ બેસેલા મહિલાને ચકકર આવતા રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ,ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતા ધીરજભાઇ રામજીભાઈ ભંડેરી (ઉ.વ.41) નામના પટેલ યુવાન રવિવારે સવારના 09:30 વાગ્યાના અરસામાં તેના જીજે-10-ડીએસ-9852 નંબરના બાઈક પર હરીપર ગામથી પસાયા ગામ તરફ જતાં હતાં તે દરમિયાન ચાવડા ગામના પાટીયા પાસેના રોડ પર પહોંચ્યા ત્યારે પાછળ બેસેલા મધુબેન ધીરજભાઈ ભંડેરી નામના મહિલાને અચાનક ચકકર આવતા બાઈક પરથી નીચે પટકાયા હતાં જેના કારણે શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ધીરજલાલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.બી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.