દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ભાણવડના મોડપર ગામે મહિલાનું કૂવામાં પડી જતાં મોત નિપજ્યું છે. જ્યારે વાનાવડ ગામે રહેતા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત થયું તથા શિવરાજપુરમાં મહિલાનું વિજ શોક લાગતાં મૃત્યુ નિપજ્યું હતું.
પ્રથમ બનાવ ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતા બબીબેન બાબુભાઈ સોલંકી નામના 40 વર્ષીય મહિલા પોતાની વાડીએ કૂવામાં પાણીની પરિસ્થિતિ જોવા માટે ગયા હતા, તે દરમિયાન તેમનો પગ લપસી જતાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ બાબુભાઈ દાનાભાઈ સોલંકીએ ભાણવડ પોલીસને કરી છે.
બીજો બનાવ ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા જગજીતસિંહ કિશોરસિંહ જાડેજા નામના 28 વર્ષીય ક્ષત્રિય યુવાન ગત તા. 11 એપ્રિલના રોજ પોતાના મોટરસાયકલ પર વાનાવડ નજીકથી જઈ રહ્યા હતા, ત્યારે તેમની મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા રીટાબા કિશોરસિંહ જાડેજાએ ભાણવડ પોલીસને કરી છે.
ત્રીજો બનાવ દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે રહેતા રાયબાઈ કનુભા નાયાણી નામના 49 વર્ષના હિન્દુ વાઘેર મહિલા ગઈકાલ તા.11 મી ના રોજ પોતાની વાડીમાં બોર માટે ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પતિ કનુભા કનૈયાભા નાયાણીએ દ્વારકા પોલીસને કરી છે.
અકસ્માતે કૂવામાં પડી ગયેલા મોડપરના મહિલાનું મૃત્યુ
વીજશોક લાગતા શિવરાજપુરના મહિલાનું મૃત્યુ : બાઇક સ્લીપ થતાં ઘવાયેલા વાનાવડના યુવાનનું મૃત્યુ