લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતાં મહિલાનું પતિ સહિતના ત્રણ શખ્સોએ ભરણપોષણનો કેસ પાછો ખેંચવા ઈચ્છા વિરૂધ્ધ કારમાં બેસાડી લઇ જઇ લાકડાના ધોકા વડે માર મારી મહિલાની પુત્રીની ગેરકાયદેસર અટકાયત કર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં રહેતાં હિરલબેન બાબરિયા નામના મહિલાએ તેણીના પતિ મુકેશ પીપતોતર સામે જેતપુરની કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસ પરત ખેંચવા માટે ગત તા.27 ના રોજ બપોરના સમયે લાલપુર તાલુકાના ખટીયા ગામ નજીકથી મુકેશ વજશી પીપરોતર અને જેટકોમાં નોકરી કરતો લખુ તથા અજાણ્યા પુરૂષ સહિતના ત્રણ શખ્સોએ સીફવકારમાં આવી તેને આંતરીને તેની ઈચ્છા વિરૂધ્ધ બેસાડી ભરણપોષણનો કેસ પરત ખેંચવા અને મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ મહિલાની પુત્રીની ગેરકાયદેસર અટકાયત કરી મહિલાનું બાવડુ પકડી લાલપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી તેણીના ઘર પાસે મુકીને નાશી ગયા હતાં.
ત્યારબાદ આ બનાવ અંગે મહિલાએ પોલીસમાં જાણ કરી હતી. તેના આધારે પ્રો.પી.આઈ. એન.એ. ચાવડા તથા સ્ટાફે મુકેશ વજશી પીપરોતર, ગુંદા ગામમાં જેટકોમાં નોકરી કરતો લખુ અને અજાણ્યો પુરૂષ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.