Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : ‘અગલે બરસ તું જલ્દી આ’ના નાદ સાથે વિઘ્નહર્તાને ભાવભેર વિદાય

Video : ‘અગલે બરસ તું જલ્દી આ’ના નાદ સાથે વિઘ્નહર્તાને ભાવભેર વિદાય

અનંત ચતુર્દસીની પૂર્વ સંધ્યાએ જામનગર મહાનગરપાલિકા નિર્મિત બન્ને કુંડમાં વધુ 158 ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરાઇ

- Advertisement -

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની પણ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ છે અને આજે અનંત ચતુર્દશીના દિવસે દુંદાળાદેવને ભાવભરી વિદાય આપવા માટે શહેરના અનેક ગણપતિ પંડાલોમાં સ્થાપિત ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગણેશ ભક્તો દ્વારા પ્રોસેસન કાઢવામાં આવ્યા છે અને ‘ગણપતિબાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના’ નાદ સાથે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપી હતી.

- Advertisement -

 

- Advertisement -

જામનગર શહેરના 200થી પણ વધુ જાહેર સ્થળે મોટાભાગે વિશાળ કદની ગણેશજી મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી અને તમામ સ્થળો પર આજે એકી સાથે વિસર્જનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. ગણેશ ભક્તો દ્વારા મહાઆરતી કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિનું ટ્રક, છોટાહાથી તથા અન્ય વાહનોમાં સુસજ્જ કરીને તેમજ ધજા-પતાકાથી શણગાર કરીને વિસર્જન માટેના ગણપતિના ફ્લોટ્સ તૈયાર કરાયા હતા અને ડીજેના તાલે અને ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે વિસર્જનની પ્રક્રિયામાં જોડાયા હતાં.

10 દિવસની આરાધના કર્યા પછી વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવા માટે તેમજ આવતા વર્ષે ફરીથી પધારવાના નિમંત્રણ સાથે ગણેશ ભક્તોનો પ્રવાહ જામનગર મહાનગરપાલિકા નિર્મિત વિસર્જન કુંડ તરફ વળ્યો હતો અને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગણેશ ભક્તોના અનેક પ્રોસેસનો નિકળેલા જોવા મળ્યા હતા. તેમજ ડીજેના તાલે ગણપતિ દાદાની મૂર્તિ સાથેના ફલોટ્સ સાથે જોડાયેલા ગણેશ ભક્તો રાસ રમી રહેલા અને અબિલ ગુલાલની છોડો ઉડાવીને ગણેશ મહોત્સવ મનાવી રહેલા જોવા મળ્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા પાસે તેમજ જામનગર કાલાવડ રોડ પર મહાપ્રભુજીની બેઠક નજીક જુદા જુદા બે વિસર્જન કુંડ બનાવાયા છે. જેમાં મોટાભાગના ગણપતિ મંડળના સંચાલકો પોતાની ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે. ગઈકાલે અનંત ચતુર્દશીની પૂર્વસંધ્યાએ જામનગર મહાનગરપાલિકા નિર્મિત હાપા રોડ પર આવેલા કુંડ નંબર-1માં વધુ 122 ગણપતિની મૂર્તિને વિસર્જિત કરાઈ હતી અને આ કુંડમાં કુલ 891 ગણપતિની મૂર્તિઓ વિસર્જિત થઈ હતી.

જ્યારે કાલાવડ ધોરીમાર્ગ પાસે આવેલા કુંડ નંબર-2માં ગઈકાલે 36 મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 314 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. નવ દિવસના સમયગાળા દરમિયાન બન્ને વિસર્જન કુંડમાં કુલ 1,205 ગણપતિની મૂર્તિઓને વિસર્જિત કરી દઈ ભાવિકોએ ભાવભેર વિદાય આપી હતી. જ્યારે આજે અંતિમ દિવસે પણ ગણેશ ભક્તોનો મોટો પ્રવાહ વિસર્જનાર્થે ઉમટી પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular