સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મત ગણતરી એક જ તારીખે કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
હાઇકોર્ટે અરજદારોની અરજી ફગાવ્યા બાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અલગ-અલગ મત ગણતરીથી ચૂંટણી પ્રભાવીત થશે એવી આ અરજીમાં રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન થઇ ચૂકયું છે અને 23 તારીખે મતગણતરી થશે. તે પહેલા સુપ્રીમ કોર્ટ આજે શું વલણ અપનાવે છે અને શું નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે.
નોંધનીય છે કે, કોરોનાએ પગપેસારો કર્યા બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી સૌપ્રથમ મોટી ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ અપેક્ષા કરતાં ખૂબ જ સાધારણ રહ્યું હતું. રાજ્યના છ મહાનગરોમાં ગઈકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પંચના આંકડા મુજબ સરેરાશ માત્ર 45.99 ટકા મતદાન થયું છે.
જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.38 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.31 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ચૂંટણી પંચના આંકડા અનુસાર રાજકોટમાં 50.72 ટકા, ભાવનગરમાં 49.46 ટકા મતદાન, વડોદરામાં 47.84 ટકા મતદાન અને સુરતમાં 47.14 ટકા મતદાન નોંધાયુ છે.