જામનગર તાલુકાના જૂના મોખાણા ગામમાં રહેતાં યુવકને ગર્લફ્રેન્ડના નંબર બીજાને આપવા બાબતે નવા મોખાણા ગામના રોડ પર બોલાવી છ જેટલા શખ્સોએ બોલાચાલી કરી છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના જૂના મોખાણા ગામમાં આંબલીચોક વિસ્તારમાં રહેતા કરણ દિલીપ દેગામા (ઉ.વ.19) નામના યુવકને કિશન આહિર નામના શખ્સે ફોન કરીને ‘તુ કેમ મારી ગર્લફ્રેન્ડના નંબર બીજાને આપશ?’ તેમ કહી વાતચીત કરવા માટે કરણને ગામની બહાર બોલાવ્યો હતો અને તે દરમિયાન બુધવારે સાંજના સમયે કરણ દેગામા અને હિતેશ દેગામા નામના બે યુવાનો સાથે કિશન આહિર, પ્રવિણ આહિર, અજય આહિર અને અન્ય ત્રણ અજાણ્યા સહિતના છ શખ્સોએ એકસંપ કરી કરણ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો તેમજ કિશને અપશબ્દો બોલી હત્યા કરવાના ઈરાદે છરી વડે માથામાં ઘા ઝીંકવા જતાં કરણના હાથમાં અને કપાળના ભાગે ઈજા પહોંચી હતી. હુમલામાં કરણને છોડાવવા વચ્ચે પડેલા હિતેશ ઉપર અજય નામના શખ્સે ધોકા વડે માથામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બન્નેને પતાવી દેવાની ધમકી આપી હતી.
જીવલેણ હુમલામાં ઘવાયેલા બન્ને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને કરણ દેગામાના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.