જામનગર બાયપાસ રોડ પર લાલપુર ચોકડીથી આગળ મોરકંડાધાર વિસ્તારમાં ગત રાત્રિના સમયે બાવળની ઝાળીઓમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પંચ બી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મહિલા અને બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી પ્રાથમિક તપાસમાં બંનેની નિર્દયી હત્યા નિપજાવવામાં આવી હોવાનું જણાતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
હૃદય હચમચાવી દે તેવી ઘટનાની વિગત મુજબ, જામનગર બાયપાસ રોડ પર લાલપુર ચોકડીથી આગળ પેટ્રોલ પંપ પાછળના મોરકંડાધારના અવાવરૂ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સમયે એક મહિલા અને એક બાળકીનો લોહી નિતરતો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પંચ બી પીએસઆઈ એમ.એ. મોરી અને સિટી એ ડીવીઝના સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ બી.એસ.વાળા તથા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરથી મહિલા અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મહિલાને દાઢીના, ગળાના ભાગે, છાતીના અને પડખાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતાં તેમજ એક વર્ષની માસુમ બાળકીના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યાં હતાં. જેના કારણે મહિલા અને બાળકીની હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તારણમાં ખૂલ્યું હતું. જેના કારણે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસે ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરતા મૃતક સબાનાબેન તારીફ લાડકા નામની મહિલા અને તેની એક વર્ષની પુત્રી રૂબિનાનો મૃતદેહ હોવાની ઓળખ થઈ હતી. જેના આધારે પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરવા તપાસ હાથ ધરતા મૃતકના પતિનો સંપર્ક થતો ન હતો. જેથી પોલીસને પતિ ઉપર શંકા ગઈ હતી. ત્યારબાદ આ અંગેની જાણ થતા મૃતક સબાનાબેનની માતા રઝીયાબેન આરીફભાઈ બ્લોચને જાણ કરવામાં આવી હતી. પોલીસે બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.દરમિયાન સબાનાબેનની માતા રઝીયાબેને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સબાનાને તેના પતિ તારીફ કારૂ લાડકા સાથે ત્રણ-ચાર મહિનાથી માથાકૂટ અને ઝઘડો ચાલતો હતો. જેમાં પતિ તારીફ તેની પત્ની સબાનાના ચારિત્ર્ય વિશે શંકા-કુશંકા કરી મારકૂટ કરતો હતો અને આ ઝઘડાને કારણે સબાના થોડા સમયમાં જ ત્રણ વખત રીસામણે જતી રહી હતી.
પત્ની રીસામણે જતી રહેતા પતિ તારીફ ફરીથી સાસરે જઈ પત્ની સાથે સમાધાન કરી મનાવી લઇ પરત લઇ આવતો હતો અને બનાવના બે દિવસ પહેલાં પણ તારીફ સાથે ઝઘડો થયા બાદ રીસામણે આવેલી સબાનાએ તેની માતાને જણાવ્યું હતું કે, ‘હવે મારે તારીફ સાથે રહેવું નથી. અવાર-નવાર મારકૂટ કરી ત્રાસ આપે છે.’ ત્યારબાદ જામનગરમાં તારીફે તેની પત્ની સબાના સાથે ફોન પર સંપર્ક કરી સાથે લઇ ગયો હતો અને ત્યારબાદ શુક્રવારની રાત્રિના જ સબાના અને તેની પુત્રી રૂબિનાનો મૃતદેહ મળી આવતા આ હત્યા તેના પતિ તારફે નિપજાવી હોવાનું રઝીયાબેને પોલીસને જણાવ્યું હતું. જેના આધારે પીએસઆઇ એમ.એ.મોરી તથા સ્ટાફે તારીફ ફારૂક લાડકા વિરૂધ્ધ પત્ની અને પુત્રીની નિર્દયી હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
પોલીસે તારીફ વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કરતાં તારીફ પત્ની સબાના અને પુત્રી રૂબિનાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી રાજકોટ નાશી ગયો હોવાનું જાણવા મળતા પોલીસે રાજકોટમાંથી હત્યારા પતિ તારીફ લાડકાને દબોચી લઇ જામનગર લઇ આવ્યાં હતાં અને કેવી રીતે હત્યા નિપજાવી તે અંગેની પૂછપરછ હાથ ધરી હથિયાર કબ્જે કરવા કાર્યવાહી આરંભી હતી.