જામનગર યાર્ડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની ચિકકાર આવક થઇ રહી છે. અતિવૃષ્ટી થઇ ત્યારે એવા અહેવાલ વહેતા થયા હતા કે, મગફળી તથા કપાસના પાકોને મોટી નુકસાનીની સંભાવના છે. પરંતું વાસ્તવિકતા એ છે કે, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મગફળી અને કપાસના વેચાણમાં ચિકકારનાણું મળી રહ્યું છે. બીજી બાજુ સરકારે રાહત પેકેજ પણ જાહેર કરી દીધું છે. જેના કારણે ખેડૂત વર્ગ માલામાલ થયો છે.
જામનગરના યાર્ડમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી દર વર્ષે તામિલનાડુના વેપારીઓ અને એજન્ટો મગફળી ખરીદવા આવે છે. આ ખરીદીને કારણે યાર્ડમાં મગફળીની ઉંચી બજાર સમાચારો બને છે. આ સમાચારો પાછળ આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે રહસ્ય એ છે કે, વિશ્ર્વના મલેશિયા સહિતના કેટલાંક દેશોમાં મગફળીના દાણા માંથી બનતાં માખણની જબરી ડિમાન્ડ છે. એક શકયતા એવી પણ છે કે, જામનગર ખરીદી માટે આવતાં તામિલનાડુના ખરીદદારો તામિલનાડુથી વિદેશોમાં પીનટ બટર એટલે કે, સીંગદાણાનું માખણ મોટા પ્રમાણમાં એકસ્પોર્ટ કરતાં હશે. કારણ કે, તામિલનાડુના ખરીદદારો તેલ વધારે નિકળે એવા દાણાવાળી મગફળી ખરીદતા નથી.
અત્રે નોંધનીય છેકે, ગત્ સિઝનમાં તામિલનાડુના ખરીદદારોએ જામનગરના માર્કેટ યાર્ડમાંથી અંદાજે દોઢસોથી બસો ટ્રક જેટલી મગફળી ખરીદી હતી. આ બધી જ ખરીદી ઓછા તેલવાળા દાણાની ખરીદી હતી.