Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવાચાળ મનાતી મહિલાઓ જામ્યુકોના બોર્ડમાં ચૂપ કેમ….? - જુઓ વિડીયો

વાચાળ મનાતી મહિલાઓ જામ્યુકોના બોર્ડમાં ચૂપ કેમ….? – જુઓ વિડીયો

- Advertisement -

સમાન્ય રીતે મહિલાઓ વાચાળ હોય છે અને ઘરમાં બહુ બોલકી તેમજ આસપડોશ અને શેરી મહોલ્લાની ઝિણામાં ઝીણી જાણકારી તેમની પાસે હોય છે. તેવું મોટાભાગનાં પુરુષો માનતા હોય છે. પરંતુ મહિલાઓની આ ખાસ સ્કીલની જ્યાં સૌથી વધુ જરુર છે ત્યાં મહિલાઓ ચૂપ કેમ…?

- Advertisement -


આપ સમજી ગયા હશો અહીં જામ્યુકોની સામાન્યસભાની વાત થઇ રહી છે. જામ્યુકોની સામાન્ય સભામાં શહેરનું 50 ટકા પ્રતિનિધિત્વ મહિલાઓ કરી રહી છે. અર્થાંત્ કુલ 64 કોર્પોરેટરો પૈકી 32 મહિલાઓ છે. છતાં મહિલાઓનો અવાજ અહીં બહુ ઓછો સંભળાય છે. બે-ત્રણ મહિલાઓને બાદ કરતાં ભાગ્યે જ કોઇ મહિલા સભ્ય બોર્ડમાં પોતાની વાત રજૂ કરતી જણાય છે. નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યાને છ મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આ સમય દરમિયાન ચાર જેટલી સામાન્ય સભા યોજાઇ ગઇ. પરંતુ આ ચાર બોર્ડ બેઠકમાં 32 પૈકી અડધો ડઝન જેટલી મહિલાઓ પણ અવાજ ઉઠાવતી કે, રજૂઆત કરતાં જોવા મળી નથી!
એવું નથી કે, મહિલાઓ સક્ષમ નથી. ચોક્કસપણે મહિલાઓ પુરુષ સમોવડી જ નહીં પણ કેટલીક બાબતોમાં પુરુષોથી પણ વધુ સશક્ત અને સક્ષમ છે. જે અનેક વખત પુરવાર થઇ ચૂકયું છે. તો પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે, જામ્યુકોનાં બોર્ડમાં આખરે શહેરનું 50 ટકા પ્રતિનિધિત્વ ચૂપ કેમ છે? અથવા તો રહે છે? ખાસ કરીને સત્તાપક્ષની મહિલાઓ.


સોમવારે યોજાયેલી જામ્યુકોની સામાન્યસભાના એજન્ડામાં કોઇ વિશેષ કાર્ય નહોતું ત્યારે સભ્યોને પ્રશ્ર્નોતરી અને રજૂઆત માટે પુષ્કળ સમય અને તક મળી હતી. જેનો લાભ કેટલીક વિપક્ષી મહિલા સભ્યોએ ઉઠાવ્યો અને પોતાના વિસ્તારના પ્રશ્ર્નો ઉઠાવ્યા. સામાન્ય સભા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં શહેર સંબંધી દરેક પ્રશ્ર્ન ઉઠાવી શકાય છે. પછી તે હકારાત્મક હોય કે, નકારાત્મક. એટલું જ નહીં લોકોના અવાજને વાચા આપી શકાય છે. કેમ કે, મોટી સંખ્યામાં મિડિયા પણ આ સભાનું કવરેજ કરતાં હોય છે. જેઓ પોતાના માધ્યમો દ્વારા તેને લોકો સમક્ષ મૂકે છે. આ તક હોય છે. લોકો સુધી પહોંચવાની અને પોતાની સક્ષમતા પુરવા કરવાની જે રાજકીય, સામાજિક કારકિર્દી માટે જરુરી પણ હોય છે.

- Advertisement -


ગુજરાતીમાં બે ઉક્તિઓ પ્રચલિત છે, ‘બોલે એના બોર વેચાય’ અને બીજી છે ‘ન બોલવામાં નવ ગુણ’ બન્ને તેના સ્થાને ઉચિત છે કેમ કે, ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું તે પણ એક કળા છે. પરંતુ જ્યાં તમારા વ્યક્તિત્વને નિખારવાનો અવસર હોય અને મૌનને નબળાઇ સમજવામાં આવતી હોય. ત્યાં અવશ્ય બોલવું જ જોઇએ અને જામ્યુકોનું બોર્ડ એ પ્લેટફોર્મ છે. જ્યાં બોલવું જ વધુ ઉચિત જણાય છે. કેમ કે, તમારા શબ્દો શહેરની સાડા છ લાખની જનતાની સુખાકારી સાથે સંકળાયેલા છે.


હા, સત્તાપક્ષની મહિલાઓએ પક્ષના શિસ્તનું પાલન કરવાનું હોય છે. પરંતુ કોઇ પક્ષ સાચી અને લોકહિતની વાત રજૂ કરતાં કોઇને અટકાવી શકે નહીં. બોલવાનો અર્થ એ નથી કે, નકારાત્મક કે, પક્ષ વિરુધ્ધ કંઇ બોલવું. લોકહિતના પ્રશ્ર્નોને હકારાત્મક દ્રષ્ટિએ પણ રજૂ કરી શકાય. અરે કંઇ નહીં તો પોતે અને પક્ષે કરેલા સારા કાર્યો રજૂ કરીને તડાપીટ બોલાવતાં વિપક્ષી સભ્યોને જવાબ પણ આપી શકાય. મહિલાઓએ એ વાત યાદ રાખવી જરુરી છે કે, સત્ય બોલવું એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ નથી, કોઇ શિસ્ત ભંગ નથી.

- Advertisement -


ફરીથી આપને જણાવી દઇએ કે, મહિલાઓની કુશળતા અને ક્ષમતાને લઇને કોઇને લેશમાત્ર શંકા નથી. બસ જરુર છે ઘરની એ વાચાળતાને બહાર લાવી તેનો લોકહિતમાં ઉપયોગ કરવાની લોકો માટે ઉપયોગ કરવાની અને પોતાના પ્રતિનિધિત્વને સાર્થક કરવાની. આશા છે જામ્યુકોની મહિલાઓ આગામી સમયમાં ખૂબ જ પ્રબળ અને પ્રભાવશાળી સાબિત થશે. જામ્યુકોની તમામ મહિલા સદસ્યાઓને બેસ્ટ ઓફ લક.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular