જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી રૂા.19,435 ની કિંમતના 169 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે ટ્રાન્સપોર્ટ મેનેજર અને કમિશન એજન્ટ સહિત બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ધરારનગર વિસ્તારમાંથી પોલીસે દારૂની ચાર બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 વિસ્તારમાં આવેલા કન્ટ્રીવાઈડ લોજીસ્ટીક નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચ બી ના એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ટ્રાન્સપોર્ટની ઓફિસની તલાસી લેતા તેમાંથી રૂા.19435 ની કિંમતના 169 નંગ ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના ચપલા મળી આવ્યાં હતાં. જેથી પોલીસે ટ્રાન્સપોર્ટના મેનેજર નરેશ દેવારામ બિશ્નોઈ અને ટ્રાન્સપોર્ટના કમિશન એજન્ટ જીજ્ઞેશ રાજેશ નંદા નામના બે શખ્સોની ધરપકડ કરી દારૂના જથ્થા અંગે વધુ પૂછપરછ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ધરારનગર-2 વિસ્તારમાંથી પસાર થતા હિરેન ઉર્ફે હિરો રમેશ ડોડિયા નામના મજૂરી કામ કરતા શખ્સને સિટી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે હિરેનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.