જામનગરના ઇતિહાસમાં સૌથી મોટા જીએસટી કૌભાંડમાં રાજ્યની સાત ટીમો દ્વારા એક સપ્તાહ સુધી રજાના દિવસોમાં પણ તપાસ દરમ્યાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા દ્વારા રૂા. 560 કરોડનું બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. જેમાં રૂા. 112 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરચોરી ખુલી હતી. આ કૌભાંડ ખુલ્યા બાદ સ્પેરપાર્ટસના વેપારી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેની સાથે રૂા. 2.93 કરોડના બેનામી વ્યવહારો કરાયાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ એક વેપારી સંજય ચિતારા દ્વારા તેની પેઢીમાં ખોટા બિલો બનાવી રૂા. 3.70 કરોડની વેરાશાખ જાણ બહાર ઉલ્લેખ કર્યાની છેતરપિંડીની બીજી ફરિયાદ નોંધાઇ છે. જો કે, બે દિવસ દરમ્યાન બે પોલીસ ફરિયાદમાં રૂા. 6.83 કરોડના વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજીતરફ જીએસટી તપાસના સાત દિવસ દરમ્યાન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અલ્કેશ પેઢડિયા હજૂ સુધી જીએસટી ટીમ સમક્ષ કે પોલીસમાં હાજર થયો ન હોવાથી જીએસટીની ટીમ દ્વારા અલ્કેશ પેઢડિયા વિરૂઘ્ધ લૂકઆઉટ નોટીસ પણ જાહેર કરાઇ છે. આ સમગ્ર કૌભાંડમાં નોંધાયેલી બે પોલીસ ફરિયાદ બાદ શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે વિગતો આપી હતી..


