ભારત સરકારના હવામાન વિભાગે આજે સવારે 7નંબરનું નેશનલ બુલેટિન જાહેર કર્યું છે. આ બુલેટિન પ્રધાનમંત્રી કાર્યાલય ઉપરાંત ગૃહ મંત્રાલય તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ સહિતના રાજયોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યું છે. આ બુલેટિનમાં વાવાઝોડાંનો ઉચ્ચાર ટાઉટે કરવામાં આવ્યો છે. ગુજરાત અને દિવ માટે સાયકલોન એલર્ટનો યલો મેસેજ છે.
બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, દરિયાઇ ચક્રવાત આજે સવારે 35 કલાકે 9 કિમી. પ્રતિ કલાકની ઝડપે ઉતર-પશ્ર્ચિમ દિશા તરફ જઇ રહ્યું છે. જે ગોવાથી 350 કિમી દુર છે. અને ગુજરાતના વેરાવળથી 960 કિમી. દુર છે. પોરબંદર અને નલિયા વચ્ચે 18મીએ બપોરે અથવા સાંજે પહોંચે તેવી શકયતા છે. આ સમયે તેની ગતિ 145થી 160 કિમીની હોઇ શકે છે અને ત્યારે તેની તિવ્રતા મહત્તમ હશે.
ગુજરાત માટે લખવામાં આવ્યું છે કે, રાજયમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ 16મી મે એ દરિયાકિનારાના વિસ્તારોમાં પડી શકે છે. આ ઉપરાંત 17 મીએ છુટાં છવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં 18 મીએ પણ 20 સેમી. કે તેથી વધુ વરસાદની સંભાવનાઓ છે.
ગુજરાતના અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ અને મોરબીમાં નુકસાનીની શકયતાઓ છે. કારણ કે, આ વિસ્તારોમાં વરસાદ વધુ પડી શકે છે. આ પછીનું બુલેટિન એકાદ વાગ્યા આસપાસ જાહેર થવાની શકયતા છે.