ઉત્તર પ્રદેશના પ્રમુખ મુસ્લિમ ચહેરાઓમાં સામેલ રહી ચુકેલા વસીમ રિઝવી ઈસ્લામ ધર્મ છોડીને આજથી હિંદુ બની ગયા છે. આજે ગાઝિયાબાદ ખાતે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમને સનાતન ધર્મમાં સામેલ કર્યા હતા. વસીમ રિઝવીએ જણાવ્યું કે, મને ઈસ્લામમાંથી બહાર કરી દેવામાં આવેલો છે, દર શુક્રવારે મારા માથે ઈનામની રકમ વધારી દેવાય છે, આજે હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું. વસીમ રિઝવીએ પહેલેથી જ જાહેરાત કરી રાખી હતી કે, સોમવારે તેઓ ઈસ્લામ છોડીને સનાતન ધર્મમાં સામેલ થશે. આ પ્રસંગે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ કહ્યું કે, તેઓ વસીમ રિઝવીની સાથે છે અને વસીમ રિઝવી ત્યાગી બિરાદરી સાથે જોડાશે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ
રિઝવીએ જાહેરાત કરી હતી કે, તેઓ ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી તેમને સનાતન ધર્મમાં સામેલ કરાવશે. વસીમ રિઝવીએ થોડા દિવસો પહેલા પોતાની વસીયત સાર્વજનિક કરી હતી. તેમાં જાહેર કર્યું હતું કે, મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ન આવે પરંતુ હિંદુ રીતરિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે અને તેમના શરીરને અગ્નિ આપવામાં આવે.
વસીમ રિઝવીએ કહ્યું હતું કે, કેટલાક લોકો તેમને મારી નાખવા માગે છે અને તેમણે એવી ઘોષણા કરેલી છે કે, મૃત્યુ બાદ મારા (રિઝવીના) પાર્થિવ શરીરને કોઈ કબ્રસ્તાનમાં નહીં દફનાવા દેવાય. માટે તેમના પાર્થિવ શરીરને સ્મશાન ઘાટમાં અગ્નિ આપવામાં આવે. ઈસ્લામમાં રિફોર્મ માગણી કરી ચુકેલા વસીમ રિઝવી પોતાના નિવેદનો અને ગતિવિધિઓ દ્વારા ચર્ચામાં રહે છે. તેમણે કરેલા દાવા પ્રમાણે આ કારણે તેમને અનેક વખત ધમકીઓ પણ મળી ચુકી છે. વસીમ રિઝવીએ કુરાનની 26 આયાતો દૂર કરવા માગણીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારથી વસીમ રિઝવી મુસ્લિમ સંગઠનોના નિશાન પર છે.