કોહલીએ ત્રણ વર્ષમાં સૌપ્રથમ સદી સાથે 61 બોલમાં 122* રન ફટકાર્યા બાદ ભુવનેશ્ર્વર કુમારે માત્ર ચાર રનમાં પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવતા ભારતે અફઘાનિસ્તાન સામેની એશિયા કપ સુપર-ફોરની ઔપચારિક ટી-20માં 101 રનથી વિજય મેળવ્યો હતો. ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાયેલા ભારતે કોહલીની વિસ્ફોટક બેટિંગને સહારે બે વિકેટે 212 રન ખડક્યા હતા. જવાબમા અફઘાનિસ્તાન એક તબક્કે 9 રનમાં ચાર વિકેટ અને ત્યાર બાદ 21 રનમાં છ વિકેટ પર ફસડાયું હતુ. આખરે તેઓ 8 વિકેટે 111 રન કરી શક્યા હતા.
ભુવનેશ્ર્વરે સપાટો બોલાવતા 4 ઓવરમાં 1 મેડન સાથે 4 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અર્ષદીપ-અશ્વિનને 1-1 વિકેટ મળી હતી. અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરને 64 રન અણનમ રહીને નોંધાવ્યા હતા.
અગાઉ બેટ્સમેન વિરાટ કોહલીએ ત્રણ વર્ષમાં પહેલી આંતરરાષ્ટ્રીય સદી અને ટી-20ની કારકિર્દીમાં સૌપ્રથમ સદી ફટકારી હતી. તેણે 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે અણનમ 122 રન નોંધાવ્યા હતા. આ તેની નવેમ્બર, 2019 પછીની સૌપ્રથમ સદી હતી. તેણે છેલ્લે નવેમ્બર, 2019માં બાંગ્લાદેશ સામેની કોલકાતા ટેસ્ટમાં સદી ફટકારી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીનેઔપચારિક મેચમાં ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. ભારતે કેપ્ટન રોહિતને આરામ આપતા કેપ્ટન રાહુલની સાથે કોહલી ઓપનિંગમાં ઉતર્યો હતો. તેમની વચ્ચે 76 બોલમાં 119 રનની ભાગીદારી નોંધાવી હતી.
કોહલીએ 32 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી અને તેણે સદી ફટકારવા માટે માત્ર 53 બોલ લીધા હતા. કોહલીએ આગવું ફોર્મ બતાવતા કારકિર્દીની સૌપ્રથમ ટી-20 સદી ફટકારી હતી. રાહુલે પણ એક છેડેથી આક્રમક બેટિંગ કરતાં 41 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા. તેની વિકેટ ફરીદે ઝડપી હતી. સૂર્યકુમાર તે જ ઓવરમાં 6 રને ફરીદનો બીજો શિકાર બન્યો હતો. જોકે ત્યાર બાદ કોહલી અને પંતે 42 બોલમાં 87* રનની ભાગીદારી કરતાં સ્કોરને બે વિકેટે 212 સુધી પહોંચાડયો હતો. ભારતે પ્રથમ 10 ઓવરમાં 87 રન ફટકાર્યા હતા. જ્યારે આખરી 10 ઓવરમાં ભારતે 125 રન ઝૂડયા હતા. જેમાં આખરી પાંચ ઓવરમાં ભારતે સ્કોરમાં 78 રન ઊમેર્યા હતા.