ખંભાળિયાની મહિલા સંસ્થા રઘુવંશી મહિલા મંડળ દ્વારા તાજેતરમાં તુલસી પૂજન દિવસના નામે સ્નેહ મિલન તથા મનોરંજક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિકતાની આડમાં કોરોનાને વીસરી મહિલાઓએ વિવિધ પ્રકારની રમત તથા સામુહિક ભોજનમાં બેજવાબદાર જેવું વર્તન દર્શાવ્યું હતું.
ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી મહાજન વાડી ખાતે શનિવારે રઘુવંશી મહિલા મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમના મુખ્ય એજન્ડા સાથે તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મર્યાદિત સમય માટે પૂજન-આરતી બાદ મહિલાઓએ સામૂહિક રીતે લીંબુ ચમચી, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી જેવી રમતોની મોજ માણી હતી. એટલું જ નહીં, આ કાર્યક્રમના અંતમાં બહેનોએ એકઠા થઇ અને સમૂહભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો.
મહત્ત્વની બાબત તો એ છે કે આ કાર્યક્રમમાં શહેરના શ્રીમંત અને સુજ્ઞ પરિવારના મહિલાઓએ પોતાના આનંદ પ્રમોદ માટે આ કાર્યક્રમમાં જાણે સહભાગી થયા હોય તેમ ફોટા, વિડિયો તથા સેલ્ફી વ્યાપક પ્રમાણમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં બહેનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો રીતસરનો ઉલાળીયો કર્યો હતો.
હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. એટલું જ નહીં, એમીક્રોન સહિતના વધતા જતા કેસોથી સરકારી તંત્ર પણ હવે ચિંતિત અને જાગૃત બન્યું છે. ત્યારે ખંભાળિયામાં મહિલાઓ દ્વારા બેજવાબદારીપૂર્વક યોજાયેલા આ કાર્યક્રમે ભારે ચર્ચા જગાવી છે. જાહેર રસ્તા પર લોકોને અટકાવી અને માસ્કનો દંડ ફટકારતી પોલીસ આ કાર્યક્રમ સંદર્ભે શું પગલાં લેશે તે હવે જોવું રહ્યું.