જામનગરના મેયરપદનો તાજ અપેક્ષા મુજબ જ વોર્ડ નં. 16ના કોર્પોરેટર વિનોદ નાથાભાઇ ખિમસુરીયાના શિરે આવ્યો છે. જ્યારે ડે.મેયર તરીકે વોર્ડ નં. 10ના મહિલા કોર્પોરેટર ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢાની પસંદગી કરવામાં આવી છે. અત્યંત મહત્વના એવા સ્ટેન્ડીંગ ચેરમેનના પદની પસંદગીને લઇને વિવાદ અને વિરોધ ઉભો થતાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. ચેરમેન તરીકે વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશ બિપીનચંદ્ર કગથરાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે શાસકપક્ષના નેતા તરીકે વોર્ડ નં. 5ના આશિષ મનુભાઇ જોશી તેમજ દંડક તરીકે વોર્ડ નં. 13ના કોર્પોરેટર કેતન જેન્તીલાલ નાખવાની પસંદગી કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ દ્વારા આજે સવારે જામનગર મહાપાલિકાના મેયર સહિતના પાંચ હોદ્ેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આગામી ટ્રમ માટે મેયરપદ અનુસુચિત જાતિ માટે અનામત હોય, આ પદ માટે વિનોદભાઇ ખિમસુરીયાની પસંદગી કરવામાં આવી છે. જે અપેક્ષા મુજબ જ રહેવા પામી છે. બીજીતરફ ડે.મેયર મહિલાને ફાળવવામાં આવી છે. આ પદ માટે વોર્ડ નં. 10ના ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી હતી. જો કે, બધાની નજર જે પદ ઉપર હતી તે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનના પદ માટે ઉમેદવાર પસંદગીને લઇને વિવાદ સર્જાયો હતો. આ પદ માટે સૌપ્રથમ પ્રદેશકક્ષાએથી જે નામો આવ્યા હતાં તેમાં વોર્ડ નં. 5ના કોર્પોરેટર આશિષ જોશીનું નામ હતું, પરંતુ હજૂ એક ટર્મ પહેલા જ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી સુભાષ જોશીને ચેરમેન બનાવવામાં આવ્યા હોય, આશિષ જોશીના નામને લઇને વિવાદ સર્જાયો હતો. પરિણામે પક્ષના મોવડીઓની તાકિદે બંધ બારણે બેઠક યોજાઇ હતી અને આ વિવાદ વિરોધ અંગે પ્રદેશ નેતાઓને સૂચિત કરવામાં આવ્યા હતાં. આશિષ જોશીના નામને લઇને વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશ કગથરાએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ નેતાઓએ મંથન કરી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનના નામમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરી આશિષ જોશીના સ્થાને નિલેશ કગથરાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ આજે પર્યૂષણના મહાપર્વના દિવસે જ નિલેશ કગથરાને પર્યૂષણ પર્વનો પ્રથમ દિવસ ફળ્યો હોય તેમ ચેરમેન પદ હાથ લાગી ગયું હતું.
જ્યારે આશિષ જોશીને શાસકપક્ષના નેતાનું પદ આપીને મનાવી લેવામાં આવ્યા હતાં. દંડક તરીકે કેતન નાખવાના નામની પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ જામ્યુકોના પાંચ પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરી પક્ષ તરફથી વ્હીપ જાહેર કર્યો હતો. ત્યારબાદ ચેમ્બર હોલમાં યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં પદાધિકારીઓની વિધિવત વરણીની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી. સામાન્ય સભા બાદ બપોરે 1 વાગ્યે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન તરીકે નિલેશ કગથરાની વરણી કરવામાં આવી હતી. ઘણા લાંબા સમય બાદ જૈન સમાજને સ્થાયી સમિતિનું ચેરમેન પદ આપવામાં આવ્યું છે.