કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં ચાર દિવસ પહેલાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. જુદા જુદા ત્રણ મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમ અને સોનાનો પારો સહિતના રૂા. 44,650ની માલમત્તા ઉસેડી ગયાના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં ગત્ તા. 1 ઓગસ્ટના રોજ રાત્રિના 11 વાગ્યાથી તા. 2 ઓગસ્ટના સવારના 6 વાગ્યા સુધીના સાત કલાક દરમ્યાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ગામમાં આવેલા શ્રી વાછરાડાડાના મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીનું તાળુ તોડી તેમાં રહેલી રૂા. 30 હજારની રોકડ રકમ અને રૂા. 12 હજારની કિંમતના સોનાના પારો ચોરી કરી ગયા હતા. શ્રી મચ્છુ માતાજીના મંદિરમાં મૂર્તિ પાસે રાખેલી રૂા. 150ની રોકડ ચોરી કરી ગયા હતા. શ્રી મેલડી માતાજીના મંદિરમાં રહેલી દાનપેટીમાં રૂા. 2500ની રોકડ રકમ મળી કુલ રૂા. 44,650ની કિંમતની રોકડ અને સોનાનું આભૂષણ સહિતની માલમત્તા ચોરી કરી ગયા હતા.
ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં એકસાથે થયેલી ચોરીના બનાવ અંગેની ભીખાભાઇ બાબુભાઇ ગોલતર દ્વારા તેના પરિવારના વાછરા ડાડાના મંદિરમાં તેમજ ગમારા પરિવારના મચ્છુ માતાજીના મંદિરમાં તથા મેલડી માતાજીના મંદિરમાં થયેલી ચોરી અંગેની જાણ કરતાં કાલાવડ (ગ્રામ્ય) પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ અને સ્થળ પરથી ચોરીની તપાસ આરંભી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કરી અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


