જામનગરમાં જયશ્રી સિનેમા વાળી શેરીમાં જયશ્રી કોમ્પ્લેકસમાં એક બુટ ચપ્પલ ના વેપારી દ્વારા નવતર પ્રકારની વિજ ચોરી કરી પોતાની દુકાનમાં ઝળહળતી રોશની કરાઈ હતી, પરંતુ વીજ ચેકિંગ દરમિયાન મીટરમાં નવતર પ્રકારે ચેડા કરીને વીજચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવી જતાં વેપારી સામે રૂપિયા એક લાખ દસ હજારની વિજ ચોરીનું પુરવણી બિલ અપાયું છે, અને વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં તા.23ના રોજ પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તાર ની વીજલોસ ઘટાડવાની કામગીરી હેઠળ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ચેકીંગ દરમ્યાન સુપર માર્કેટ વિસ્તાર ના સામેના ભાગે આવેલા જયશ્રી શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલા જસ્ટ લેડી નામના બુટ ચંપલના એક શો રૂમમાં આવતા પાવર સપ્લાયનું વીજ મીટર અધિકારી દ્વારા તપાસતાં મીટરમાં વીજ ચોરી જેવું જાણવા મળ્યું હતું. જેથી વધુ તપાસ માટે વિજ મીટર ઉતારી લઇ પીજીવીસીએલની લેબોરેટરીમાં વીજ મીટર ચેક કરવા માટે મોકલવામાં આવ્યું હતું. લેબોરેટરીમાં આ મીટર ના.ઈ. દ્વારા ટેસ્ટિંગ બેન્ચ પર તપાસતાં ફરી એકવાર મીટરમાં વીજ ચોરી કરવાનો નવતર પ્રયોગ માલૂમ પડ્યો હતો. વિજમીટરને પાછળના ભાગમાંથી નાનો ચોરસ ટુકડો કાપી મીટરના અંદરના વાયરીંગમાં રઝિસ્ટન્સ જોડીને કાપેલા ટુકડાને ફરીથી પેક કરીને સ્માર્ટ રીતે મીટર ફિક્સ કરી દેવાયું હતું અને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આવી અલગ પ્રકારની વિશિષ્ટ ચોરીના આધારે સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝનલ ના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વીજ ચોરી કરાવનાર ટુકડીને પકડવા અર્થે અને વીજ ચોરીના ગુન્હા સબબ દુકાન માલિક મહંમદ હુસેન કાદર તેલીને રૂા. 1,10,887 ની રકમની વીજચોરીનું પુરવણી બિલ અપાયું છે અને જી.યુ.વી.એન.એલ. પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે તથા આવી હાઇટેક રીતે વીજ ચોરી કરાવનાર અજાણી ટુકડીને પકડવા ખાસ તજવીજ હાથ ધરી છે.


