દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં તમામ શહેરોની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અને લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં આવેલ ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર ખરીદીનો માહોલ જામ્યો હતો અને લોકો ખરીદીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જાગૃતતા લાવવા માટે અને લોકો કોઈ પ્રકારનો ભોગ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
દિવાળીનાં તહેવારોમાં ચોરી અને લૂંટનાં બનાવો વધતા હોય છે. જે અટકાવવા માટે એ-ડિવિઝન પોલીસની દુર્ગાશક્તિ ટીમ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બજારમાં બેદરકારીથી ફરતી મહિલાઓનાં પર્સ વગેરે નજર ચૂકવી લઈ લેવામાં આવ્યા હતા. અને શોધખોળ થયા બાદ વસ્તુઓ પરત કરી સતર્ક રહેવાની સૂચના આપી હતી.
અને પરિવાર સાથે રહેલા એક નાનકડા બાળકને રમકડાંની લાલચ આપી પોલીસની ટીમે પોતાની સાથે લઈ લીધો હતો. અને માતાપિતાએ તેની શોધખોળ કરતાં પોલીસે આ રીતે બાળકનું અપહરણ થતું હોવાની સમજણ આપી જાગૃતતા ફેલાવી હતી. અને લોકોએ પણ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની કામગીરી બિરદાવી હતી.