ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ જામનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગુજરાત સરકારની રોજગાર માટેની અનુબંધમ એપમાં પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કેમ્પનો તેમજ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણ હેઠળ વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ માટે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોલેજના કર્મચારીનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.
આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વધુમાં વધુ રોજગારી પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્ય રોજગારી આપવામાં સૌથી મોખરે છે ત્યારે અનુબંધમ એપ દ્વારા વિદ્યાર્થીઓ રોજગાર માટે રજીસ્ટર થાય અને એપ્લિકેશનના માધ્યમથી જ વિદ્યાર્થીઓની ડિગ્રી અનુલક્ષીને રોજગાર તેમજ રોજગારદાતાને અનુકૂળ કર્મચારી પ્રાપ્ત કરાવી વધુમાં વધુ રોજગારીનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. એકવીસમી સદીના આ યુગમાં કોઈપણ માનવી નિષ્ઠા અને કૌશલ્ય સાથે આગળ વધી શકવા સમર્થ છે, તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની એપ્લિકેશનના ઉપયોગ થકી રોજગારી મેળવવામાં સફળ બને તેવી શુભકામના મંત્રીએ વ્યકત કરી હતી.
કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આર.ટી.પી.સી.આર કેમ્પ શુભારંભ કરાવી મંત્રીએ કોરોનાથી બચીને પણ અભ્યાસમાં આગળ વધવા તેમજ સર્વે તકેદારીઓ સાથે રહી આ મહામારીમાં પણ શિક્ષણના વ્યાપને વધારવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી તથા કોલેજના સિનિયર ક્લાર્કના વિદાય પ્રસંગે સેવાનિવૃત્તિ બાદ પણ સ્વસ્થ જીવનની શુભકામના આપી હતી.ધ આ પ્રસંગે પોલીટેકનીક કોલેજના પ્રિન્સીપાલ ઝાલા, વિવિધ પ્રાધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.