ઉત્તરાખંડમાં આવેલા વિનાશકારી જળપ્રલય અંગે ટનલમાં ફસાયેલા ૨૫થી ૩૫ લોકોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. NTPC ના તપોવન પ્રોજેક્ટમાં પારાવાર નુકસાન થયું છે. સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના, NDRF, ITBP, SDRF અને હવે મરીન કમાન્ડોની ટુકડી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં ચમોલી દુર્ઘટનામાં 32 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જયારે 206 લોકો હજુ પણ લાપતા છે. જે પૈકી 35 જેટલા લોકો ટનલમાં ફસાયા છે. જેને બહાર કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે. આ જાણકારી રાજ્યસરકાર દ્રારા આપવામાં આવી છે.
NTPC ના તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટની 2.5 કિલોમીટર લાંબી ટનલમાં 25થી 35 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. અધિકારીઓને આશા છે કે આ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવશે. જો કે આ લોકોનો સંપર્ક હજુ સુધી થઇ શક્યો નથી.૧૮૦ મીટરની ટનલમાં રાહત ટુકડી ૧૩૦ મીટર સુધી પહોંચી છે અને ૧૨૦ મીટર ઊંડે સુધી કાટમાળ હટાવ્યો છે. ફસાયેલા લોકોને બચાવવાની તેમજ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. ટનલની ઉપર ડ્રિલિંગ કરીને ફસાયેલા સુધી પહોંચવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો બચાવકાર્યમાં લાગ્યા છે. આ જવાનો પૂરથી પ્રભાવિત અને સંપર્ક કપાયેલા ગામોમાં ખાવાનું, અને દવાઓ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.