ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 2000ની ઘાતક અથડામણના બે વર્ષ બાદ અરુણાચલની તવાંગ સરહદે બન્ને દેશો વચ્ચે ઝપાઝપીના ઘટનાક્રમથી તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. વિરોધ પક્ષોએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યુ છે. દેશને અંધારામાં રાખ્યાનો આરોપ મુકીને સંસદમાં સભામોકૂફી પ્રસ્તાવ પેશ કરવામાં આવ્યો છે. સંસદમાં ધમાલ સર્જાવાના એંધાણ છે.
ભારતીય સૈન્યએ સતાવાર રીતે જાહેર કર્યું છે કે અરૂણાચલની તવાંગ સરહદે ગત 9મીએ ભારત-ચીનના સૈનિકો સામસામા આવી ગયા હતા. ઝપાઝપીમાં બન્ને દેશોના જવાનો ઘાયલ થયા હતા. સુત્રોના કહેવા પ્રમાણે ભારતના છ જવાનોને સારવાર માટે સૈન્ય હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બે વર્ષ પૂર્વે ગલવાન વેલી અથડામણ બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો હજુ નોર્મલ થયા નથી ત્યાં નવા ઘટનાક્રમથી ભારતમાં તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પણ પડ્યા છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદી તથા સરકાર સામે નિશાન સાધતા એમ કહ્યું હતું કે નબળો-ઢીલો અભિગમ છોડીને આક્રમક વલણ અપનાવવાની જરુર છે. ભારતીય સૈન્યના શૌર્ય પર ગર્વ છે. ચીનની કોઇ હરકત સફળ નહીં થવા દયે પરંતુ સરકાર નબળી પડી રહી છે. બે વર્ષથી સરકાર રાજકીય છબી-પ્રતિષ્ઠા બચાવવા ઘુસણખોરીના આ પ્રયાસનો મામલો દબાવી રહી છે. પરિણામે ચીનની હિંમત-દુસાહસ વધી રહ્યા છે.
બીજી તરફ એઆઈએમઆઈ એમના પ્રમુખ ઓવૈસીએ પણ આક્રમક ટીપ્પણી કરી કે અરૂણાચલ સરહદનો ઘટનાક્રમ ચિંતાજનક છે. સરકારે દેશને અંધારામાં રાખ્યો છે. સંસદનું સત્ર ચાલુ હોવા છતાં માહિતી જાહેર કરવામાં આવી નથી. ગલવાન વખતે વડાપ્રધાને કહ્યું હતું કે ‘કોઇ ઘુસ્યુ નથી કે કોઇને ઘુસવા નહીં દેવાય’ હજુ આવું જ બોલશે ?
જડબાતોડ જવાબ કેમ અપાતો નથી. આ મામલે સરકારે સંસદમાં જવાબ આપવો જોઇએ. ગંભીર મુદ્દાથી ભાગવું ન જોઇએ. ટિવટમાં એમ કહ્યું કે નબળી નેતાગીરીને કારણે સૈન્ય જડબાતોડ જવાબ આપી શકતી નથી અને ચીન સામેના અપમાનનું કારણ હતું. ચીનની ઘુસણખોરીના પ્રયાસ માટે કોંગ્રેસ તથા ઓવૈસીના પક્ષ દ્વારા સભામોકૂફી પ્રસ્તાવ લાવવાનું પણ એલાન કર્યું છે. આ મામલે ચર્ચા કરીને સરકારે જવાબ આપવો જોઇએ.
કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ચીન બે વર્ષથી ભારતીય ભૂમિ પર કબ્જો કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાને સંસદમાં સ્પષ્ટ જવાબ આપવો જોઇએ. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજકીય સુરક્ષાના મુદ્દે કોંગ્રેસ સરકારની પડખે છે, કોંગ્રેસ રાજકારણ કરવા માંગતુ નથી છતાં આ મુદ્દે સંસદમાં ચર્ચા કરીને સરકારે જવાબ આપવો પડશે. ગત શુક્રવારે અરૂણાચલના તવાંગ સેકટરમાં ચીનના સૈનિકોની ઘૂસણખોરી તથા ભારતીય સેનાના જવાનો સાથે અથડામણના પગલે ફરી એક વખત બન્ને દેશોની સીમા પર તનાવ વ્યાપી ગયા છે. તે વચ્ચે આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ સંસદમાં આ મુદે જવાબ રજૂ કરે તેવા સંકેત છે. ગઈકાલે ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ બાદ તુર્ત જ દિલ્હી પરત ફરેલા સંરક્ષણ મંત્રીએ શુક્રવારની ઘટના પર રીપોર્ટ માંગ્યો હતો.
આજે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ ઉપરાંત સેનાની ત્રણેય પાંખના વડા અને પુર્વીય ક્ષેત્રના કમાન્ડર્સ સાથે તાકીદની બેઠક બોલાવી છે અને તેમાં સમગ્ર ઘટના અને ભારતની તૈયારી અંગે રીપોર્ટ લેશે. રાજનાથના નિવાસે સવારથી જ સેનાના ઉચ્ચ અધિકારીઓની અવરજવર શરૂ થઈ હતી જેમાં ભૂમીદળના વડા મનોજ પાંડે પણ પહોંચ્યા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ પણ રાજનાથસિંઘના નિવાસે પહોંચી ગયા હતા. બીજી તરફ સંસદમાં આ મુદો આજે વિપક્ષો સરકારને ભીડવવા માટે ઉઠાવશે તે નિશ્ર્ચિત થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સીનીયર મંત્રીઓ સાથે બેઠક યોજી છે જેમાં રાજનાથસિંહ તમામ માહિતી આપશે અને બાદમાં સરકારનો વ્યુહ નિશ્ર્ચિત થશે.