જામનગર શહેર-જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ગઇકાલે જામનગર શહેર-જિલ્લામાં વ્હેલીસવારથી વરસાદી વાતાવરણ રહ્યા બાદ બપોરથી વાતાવરણમાં પલ્ટા વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા પાણીની આવક થવા પામી હતી. ખાસ કરીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતાં. તેમજ નદી-નાળાઓ પણ છલકાતાં જોવા મળ્યા હતાં. ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતાં. વિજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસેલા વરસાદથી નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી.
જામનગર શહેર-જિલ્લામાં ગઇકાલે સવારથી ધાબડીયુ વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવતાં સાંજે આઠ વાગ્યા સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતાં. વિજળીના કડાકા-ભડાકા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો કાલાવડ તાલુકાના રણુજા ઉપરાંત જામનગરના સપડા, નાનીમાટલી, મતવા, જામજોધપુરના સમાણા, જામનગરના જામવંથલી, મોટીભલાસણ, વાગડીયા સહિતના ગામોમાં 1 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસતાં નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. જ્યારે જામનગર શહેરને પીવાનું પાણી પુરું પાડતાં રણજીતસાર ડેમમાં દોઢ ફૂટ નવા નિરની આવક થઇ હતી. તો બીજીતરફ ઉંડ-1 ડેમમાં પણ દોઢ ફૂટ તથા આજી-3 ડેમમાં સવાત્રણ ફૂટ નવા નિરની આવક થઇ હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના જામવંથલી ગામમાં 6 ઇંચ, મોટીભલસાણમાં 3 ઇંચ, ધ્રોલના જાલીયાદેવાણીમાં 4 ઇંચ તથા લૈયારામાં 1 ઇંચ, લાલપુરના પીપરટોડા તથા હરિપરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના ફલ્લામાં 34 મીમી, મોટીબાણુંગારમાં 21 મીમી, દરેડમાં 20મીમી, અલિયાબાડામાં 31 મીમી, લાખાબાવળમાં 10મીમી, વસઇમાં 2મીમી, કાલાવડ તાલુકાના ભલાણભેરાજામાં 5 મીમી, મોટાપાંચદેવડામાં 4 મીમી, જામજોધપુર તાલુકાના સમાણામાં 3 મીમી, શેઠવડાળામાં 6 મીમી, જામવાડીમાં 5 મીમી, વાંસજાળીયામાં 7મીમી, ધુનડામાં 9મીમી, પરડવામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 1 ઇંચ અને ધ્રોલ-કાલાવડમાં જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. જામનગર જિલ્લામાં થયેલ મેઘકૃપાથી સપડા ડેમ ઓવરફલો થયો હતો. તો બીજીતરફ મતવા ગામમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પરિણામે નદીમાં પૂર આવતાં 4 લોકો મંદિરમાં ફસાયા હોવાની કંટ્રોલ રૂમને જાણ થતાં તેઓને બચાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી.