લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા ગોવાણા ગામના વતની અને જુના નવાનગર રાજયના સૈન્યના સર સેનાપતિ ભાણજીબાપુ દલજાડેજાની પ્રતિમા અનાવરણ સમારોહનું લાલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ચિંતન શિબિર પણ યોજાશે. આ કાર્યક્રમોની માહિતી આપવા અર્થે બુધવારે પત્રકાર પરીષદ યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત રાજપૂત સમાજના અગ્રણીઓએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.
ભારત વર્ષના ઇતિહાસમાં ક્ષત્રિયોનો રાષ્ટ્ર પ્રેમ, ધર્મપ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, પ્રજા વાત્સલ્ય અને રાજધર્મની સુવર્ણગાથા સોનેરી અક્ષરે છે જેમાં ક્ષત્રિયના શૌર્ય, પરાક્રમ, ત્યાગ, સમર્પણ, તપશ્ર્ચર્યા અને બલીદાનની ગૌરવશાળી ગાથા અંકિત થયેલી છે. આવા જ એક ગૌરવશાળી વીરગતી પ્રાપ્ત શૌર્યવાન એવા લાલપુર તાલુકાના ગોવાણા ગામના ભાણજીબાપુ દલજાડેજાની પુર્ણ કદની પ્રતિમાનું લાલપુરમાં અનાવરણ થવા જઇ રહ્યું છે. ભાણજીબાપુ દલજાડેજાએ જામનગરના જામસાહેબના સૈન્યમાં મહત્વપૂર્ણની આગેવાની લઇને જુનાગઢની લડાઇમાં અને તમાચણની લડાઇમાં એમ બે વખત અકબરના સૈન્યને કારમી હાર આપી હતી. તેમજ ભુચરમોરીના યુઘ્ધ અકબરના સૈન્યને પીછેહઠ કરાવી હતી. પરંતુ આ યુઘ્ધમાં જામસતાજીના સૈન્યની મદદમાં આવેલા જુનાગઢના નવાબે અને ખરેડીના લોમાખુમાણે જામસતાજીને દગો દઇને અકબરના સૈન્યમાં ભળી જઇ અને પાછળથી વાર કરતા આ યુઘ્ધમાં વીર યોઘ્ધા ભાણજીબાપુ દલજાડેજા વીરગતી પામ્યા હતાં.
સમસ્ત લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા તા.12 ઓકટોબરના વીર સાવરકર હાઇસ્કૂલ ગ્રાઉન્ડ લાલપુર ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 7 વાગ્યે યજ્ઞ ત્યાર બાદ સવારે 8 વાગ્યે શોભાયાત્રા યોજાશે. લાલપુરના સરદાર પટેલ ચોક ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રાની એ વિશેષતા રહેશે કે ક્ષત્રિય સમાજના પુરૂષો માથે સાફો બાંધી ધર્મની ધજા સાથે આ શોભાયાત્રામાં જોડાશે તેમજ શોભાયાત્રામાં કોઇ ડી.જે. નહીં, કોઇ જીપ કે વાહનો નહીં, ઢોલ-શરણાઇ સાથે ચાલીને શોભાયાત્રા યોજાશે અને સવારે 9-30 વાગ્યે પ્રતિમા અનાવરણ સમારોહ યોજાશે.
આ સાથે ક્ષત્રિય સમાજ સુવર્ણ ભૂતકાળથી ઉજ્જવળ ભવિષ્ય તરફની ચિંતન શીબીરનું પણ આયોજન કરાયું છે. વર્તમાન સમયમાં સમગ્ર ભારત વર્ષનો ક્ષત્રિય સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે. કઇ દિશામાં જવાની તાતી જરૂરીયાત છે. વર્તમાન સમયમાં ક્ષત્રિય સમાજ સામાજીક ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં, ધંધા રોજગાર અને ઉદ્યોગક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં તેમજ અન્ય ક્ષેત્રમાં કયાં સ્થાને છે સહિતની બાબતોને ઘ્યાને લઇ ચિંતન શીબીરનું આયોજન કરાયું છે. આ ચિંતન શીબીરમાં સામાજીક ક્ષેત્રમાં સમય અનુસાર પરિવર્તન લાવી રૂઢીગત માન્યતાઓ, ખોટી પરંપરાઓ અને કુરિવાજોને તિલાંજલી આપવા જાગૃતિ અર્થે શ્રેષ્ઠ પ્રયત્ન કરવા, સમાજમાં શૈક્ષણિક સ્તર ઉંચુ આવે તે માટે દરેક જિલ્લા મથકે શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવું, ક્ષત્રિય સમાજના દિકરા અને દિકરી સરકારી, અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચકક્ષાએ પોતાની શ્રેષ્ઠ કારર્કિદીનું નિર્માણ કરી શકે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ટયુશનના માર્ગદર્શન માટે દરેક જિલ્લા મથકે સંકુલો બનાવવા સહિતના મુદ્દે ચર્ચા થશે.
આ કાર્યક્રમોમાં જુનાગઢ ગોરક્ષનાથ આશ્રમના ગાદીપતિ પ.પૂ. મહંત પીર યોગી શેરનાથ બાપુ, વૈદિક મીશન ટ્રસ્ટ પ્રાંસલાના પ.પૂ. આચાર્ય ધર્મબંધુ મહારાજ આર્શિવચન પાઠવશે. કાર્યક્રમના અઘ્યક્ષ તરીકે રાજયના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉદ્ઘાટક તરીકે ઉતર પ્રદેશના રાજ્યમંત્રી અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ ઠાકુર દિનેશ પ્રતાપસિંહ મુખ્ય મહેમાન તરીકે જામનગર ઉતરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના રાજપૂત સમાજના ધારાસભ્યો, હોદેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ પત્રકાર પરીષદમાં પ્રવિણસિંહ જાડેજા (સેવક ધુણીયા), ગોવુભા રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા (સોગઠી), પી.એમ. જાડેજા, દિગુભા જાડેજા, મહિપતસિંહ જાડેજા, પી.આર. જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


