દેશમાં કોલસાની અછતના પગલે વીજ કંપનીઓને જંગી ખોટ થઇ રહી છે અને કોલસાની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેની ઉંડી ખાઇ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વીજળીમાં યુનિટે પ0 પૈસાથી લઇને 1 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવે તેવો સંકેત કેન્દ્રિય ઉર્જામંત્રીએ આપ્યો હતો.
દૂધ, અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, સીએનજી સહિતના ભાવવધારા બાદ હવે આગામી દિવસોમાં વિજળીનો ઝાટકો પ્રજાને લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘએ એવો નિર્દેશ આપ્યો છે કે, દર યુનિટે 50 પૈસાથી રૂપિયા 1નો વધારો કરવો જરૂરી બન્યો છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ કોલસાની અછત ઉપરાંત કાળઝાળ ઉનાળાના કારણે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે મોટી ખાઇ ઉભી થઇ હોવાથી વિજળીની તંગી ઉભી થઇ છે અને તે ખરીદવી પડી રહી છે. એટલું જ નહીં, વિવિધ વિજ કંપનીઓને ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે પણ ભાવવધારો કરવો જરૂરી બન્યો છે. મળતા નિર્દેશો મુજબ માત્ર 50 પૈસા કે 1 રૂપિયા પર યુનિટે ભાવવધારાથી કંપનીઓની ખોટ પૂરી થવાની નથી. યુનિટે 7 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવે તો જ કંપનીઓ ખોટમાંથી બહાર આવી શકે તેમ છે. એક્ષચેન્જ રેટ પર યુનિટે 12 રૂપિયા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનિય છે કે, દેશના અનેક ભાગોમાં કોલસાની અછતના કારણે વિજકાપ મુકવો પડયો છે.
વધુમાં દેશભરમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોવાથી વિજળીની માંગ વધી છે અને તેની સપ્લાય પૂરી કરવા વિવિધ વિજ કંપનીઓ ઉંધા માથે થઇ ગઇ છે. જો, વિજળીનો ભાવવધારો ઝીંકવામાં આવશે તો મોંઘવારી ક્યાં પહોંચશે તે એક સવાલ છે.