દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આંબરડી ગામમાં રહેતો યુવાન નિંદ્રાધિન હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. વલસાડના ઉમરગામ તાલુકાનો વતની અને આર.કે. બંદર પાસેના દરિયામાં માછીમારી કરતો હતો ત્યારે જાળ દરિયામાંથી ખેંચતા સમયે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના મણીપુર આંબરડી ગામે રહેતા વીરાભાઈ દેવશીભાઈ કરમુર નામના ચાલીસ વર્ષના યુવાન ગત તારીખ 7 ના રોજ રાત્રિના સમયે જમીને સુઈ ગયા બાદ સવારે તેઓને ઉઠાડતા તેઓ ઉઠ્યા ન હતા. આમ, રાત્રિના સમયે કોઈ કારણોસર તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ રામદેભાઈ કરમુરે કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજો બનાવ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીણાભાઈ દુબળા નામના 50 વર્ષના માછીમાર યુવાન રવિવારે તેમની ધનસાગર નામની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારે તેમને બોટની જાળ દરિયામાંથી ખેંચતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નિલેશભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.