ખંભાળિયા તાલુકાના સગરિયા ગામે રહેતા યુવાન ધંધામાં આર્થિક મંદી તથા સગા-સંબંધીઓ પાસે લીધેલા પૈસા પરત નહીં કરી શકતા મનમાં લાગી આવતાં વાડીએ ઝેરી ટીકડાં ખાઇ આત્મહત્યા કરી હતી. દેવભૂમિ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કંટાળી જઇ પોતાના ઘરે ઓઢણી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સગરીયા ગામે રહેતા હેમતભાઈ કરસનભાઈ ભાટિયા નામના યુવાનને ધંધામાં આર્થિક મંદી હોય, જેથી તેમણે સગા-સંબંધીઓ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા. આ રકમ તેઓ પરત કરી ન શકતા આ બાબતે તેમને મનમાં લાગી આવતાં તેમણે ગત તારીખ 26ના રોજ રાત્રિના સમયે એક વાડીએ જઈને પોતાના હાથે ઝેરી ટીકડા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ મેરામણભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ શંકરલાલ ગોકાણી (ઉ.વ.46) નામના યુવાનની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, તેમજ તેઓ મહેનત કરવા છતાં પણ સફળ થતા ન હોવાથી ચિંતાગ્રસ્ત હાલતમાં તેમણે કંટાળીને શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરના રૂમની અંદર પોતાના હાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્રએ જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા સહિતની કાર્યવાહી આદરી હતી.


