ખંભાળિયાના યુવાન વેપારીને ભર બપોરે જાહેર માર્ગ પર અટકાવી અને વિના કારણે માર મારી, સોનાનો ચેન ઝુંટવી લેવાના પ્રકરણમાં ઝડપાયેલા બે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ તથા અગ્રણી વેપારી જગુભાઈ રાયચુરાના 21 વર્ષીય પુત્ર રાહુલ કામ સબબ પોતાના સ્કૂટર ઉપર બેસીને બપોરે પસાર થઇ રહ્યા હતા ત્યારે નવા નાકા વિસ્તારમાં ઉભેલા બે શખ્સોએ તેને આંતરી અને વિના કારણે ઝઘડો કરી, બાદમાં છરી બતાવી અને આશરે એક લાખની કિંમતનો સોનાનો ચેન ઝુંટવી લેવાના પ્રકરણમાં પોલીસે અકબર ઉર્ફ હકો અલીભાઈ બ્લોચ અને બાવાજી કૈલાસનાથ ઉર્ફે કૈલો ખીમનાથ કંઠરાય નામના બે શખ્સોની ધરપકડ કરી હતી.
આ બન્ને શખ્સોને તપાસનીસ અધિકારી એએસઆઇ જે.પી. જાડેજાએ સોમવારે અદાલતમાં રજૂ કરી વિવિધ મુદ્દે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જે અંગે નામદાર અદાલતે બન્ને શખ્સોના મંગળવારે સાંજ સુધીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખંભાળિયાના વેપારી અગ્રણીના પુત્રના છરીની અણીએ સોનાના ચેન ઝુંટવી લેનારા બે શખ્સો રિમાન્ડ પર
ધોળે દિવસે યુવાનને માર મારી સોનાની ચેઈનની લૂંટ: શહેરીજનોમાં ફફડાટ


