જામનગરમાં એક જ દિવસમાં બે હત્યાથી અરેરાટી ફેલાઇ છે. પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યાની સાથે યોગેશ્ર્વર ધામમાં 50 વર્ષીય મહિલાની હત્યાની ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઇ હતી. આ હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણમાં થયેલ હત્યાના મૃતકે જ મહિલાની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગત જામનગરના હાપામાં યોગેશ્વરધામમાં રહેતાં આશાબા સતુભા ઝાલા નામના મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાને છરીના ઘા ઝિંકી ઢીમ ઢાળી દેવાયું હતું. યુવાનની હત્યાબાદ વધુ એક હત્યાએ શહેરમાં ચકચાર મચાવી છે. આ હત્યા અંગે મૃતક મહિલાની પુત્રી દ્વારા મૃતક સોમા ચારણએ જ મહિલાની હત્યા નિપજાવી હોવાનું આક્ષેપ લગાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ ચકાસી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.