Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર24 કલાકમાં હત્યાની બે ઘટનાથી જામનગર હચમચી ઉઠયું : મારા દિકરાના હત્યારાઓને...

24 કલાકમાં હત્યાની બે ઘટનાથી જામનગર હચમચી ઉઠયું : મારા દિકરાના હત્યારાઓને ફાંસીની સજા આપજો – માતાનો કલ્પાંત

જામનગરમાં સગીર વિદ્યાર્થીની તેના જ બે મિત્રો દ્વારા ગળુ દબાવી હત્યા: ઈન્જેકશન આપી લાશને સળગાવી : એક હત્યારો તો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને સાથે ગયો

- Advertisement -

જામનગર શહેરના મોહનનગર આવાસમાં રહેતાં સગીર વિદ્યાર્થીના અપહરણના બનાવમાં તેના જ બે ખાસ મિત્રોએ સજાતિય સંબંધનો ઈન્કાર કરતાં ગળેટુંપો દઇ હત્યા નિપજાવી લાશને સળગાવી પૂરાવાઓનો નાશ કર્યાની ઘટનામાં પોલીસે બે હત્યારાઓને ગણતરીની કલાકોમાં જ દબોચી લઇ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જામનગર તાલુકાના વસઈ નજીક યુવાનની ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આમ 24 કલાકમાં હત્યાની બે ઘટનાઓથી જામનગર હચમચી ગયું હતું.

- Advertisement -

પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વારતહેવારે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમજ શહેર અને જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગની કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ, આ પેટ્રોલિંગની કોઇપણ અસર કે ધાક ગુનેગારોમાં રહેતી નથી. ગુનેગારો બેખોફ બનીને ગુનાઓ આચરતા રહે છે. હાલમાં જ 24 કલાકમાં જામનગર જિલ્લામાં બનેલી બે હત્યાની ઘટનાઓએ હાલારવાસીઓને હચમચાવી દીધા છે. જેમાં પહેલી ઘટના જામનગર તાલુકાના વસઈ ગામ નજીક જાહેર રોડ પર રાત્રિના સમયે ખૂની ખેલ ખેેલાયો હતો. જેમાં યુવાનની ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી. જો કે, આ બનાવમાં સામા5ક્ષે પણ મૃતક દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

જ્યારે બીજી હત્યાની વિગત મુજબ જામનગર શહેરનાં મોહનનગર આવાસમાં બ્લોક નં.15 અને ફલેટ નં.302 માં રહેતાં ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયા નામના મહિલાનો પુત્ર હાર્દિક (ઉ.વ.16) ગત તા.30 નવેમ્બરના રોજ ઘરેથી શાળાએ જવા નિકળ્યો ત્યાંથી લાપતા થયો હતો અને સગીર વિદ્યાર્થીનો પત્તો નહીં મળતા આખરે પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે સગીરના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સગીરના રહેણાંક આજુબાજુના સીસીટીવી ફુટેજો તપાસતા સગીર તેના ઘરની સોસાયટીની બહાર નિકળ્યા બાદ કોઇ શખ્સ સાથે વાતચીત કર્યા બાદ બાઈકમાં બેસીને જતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે તાત્કાલિક એકશનમાં આવી સગીરના ખાસ મિત્ર એવા શુભમ નિલેશ પરમારની પૂછપરછ કરતા શુભમ અને આવાસ કોલોનીમાં જ રહેતાં ખુશાલ મનિષ બારડ નામના બન્ને મિત્રોએ સગીરને અવાવરૂ જગ્યાએ લઇ જઇ ગળેટૂંપો દઈ ઈન્જેકશન આપી બેશુદ્ધ કરી દીધો હતો અને ત્યારબાદ લાશને સળગાવી હોવાની કેફિયત આપી હતી.

- Advertisement -

જેથી પોલીસને જામનગરથી 11 કિ.મી. દૂર સુવરડા નજીક બેભાઈના ડુંગર પાસે સળગાવેલી સગીરની લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીવાયએસપી જે.એન. ઝાલા પણ તપાસમાં જોડાયા હતાં અને લાશને હોસ્પિટલ મોકલી પીએમ માટેની કાર્યવાહી આરંભી હતી. બન્ને હત્યારાઓની પૂછપરછમાં મૃતક સગીરે સજાતિય સંબંધનો ઈન્કાર કરતા બન્નેએ સગીરને પતાવી દીધો હોવાનું વિગતો બહાર આવી હતી. જો કે, આ ઘટનામાં પોલીસે શુભમ અને ખુશાલના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી હતી.

ડીવાયએસપી જે.એન. ઝાલાના જણાવ્યા અનુસાર હત્યારાઓને સગીર સાથે સજાતિય સંબંધ અથવા એક પ્રકારના આકર્ષણને લીધે રીલેશનશીપ હતી જેમાં વાદ-વિવાદના કારણે અવાવરુ જગ્યાએ લઇ જઇ એક ઈન્જેકશન દઇ બેશુદ્ધ કરી લાશને સળગાવી હતી.તેમજ આ ઘટનામાં સગીર વિદ્યાર્થીની શોધખોળ માટે તેના સહવિદ્યાર્થીઓને ફોન પણ કર્યા હતાં. પરંતુ, હાર્દિક સ્કૂલે ન આવ્યાનું બહાર આવ્યું હતું. તેમજ હાર્દિકની શોધખોળમાં હત્યારો શુભમ પણ જોડાયો હતો અને પોલીસ ફરિયાદ કરવા સમયે સાથે પણ આવ્યો હતો.

- Advertisement -

મૃતકના માતા ઉષાબેનને ચાર-ચાર દિકરીઓ બાદ પુત્ર અવતર્યો હતો અને સૌથી નાના અને ચાર બહેનોના એક ભાઇ એવા હાર્દિકની હત્યાથી પરિવાર ઉપર ઘાત આવી પડી હતી. તેમજ મૃતકની માતાએ મારા પુત્રના હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular