Monday, December 15, 2025
Homeરાજ્યજામનગરત્રણ માળિયામાં વૃઘ્ધના મકાનમાંથી ચોરીમાં પાડોશી સહિતના બે શખ્સ ઝડપાયા

ત્રણ માળિયામાં વૃઘ્ધના મકાનમાંથી ચોરીમાં પાડોશી સહિતના બે શખ્સ ઝડપાયા

બહારગામ ગયેલા વૃઘ્ધના મકાનમાંથી રૂા. એક લાખની માલમત્તાની ચોરી : જાણભેદુની આશંકાએ તે દિશામાં તપાસ : પોલીસે વૃઘ્ધના પાડોશી સહિતના બે તસ્કરોને દબોચ્યા : રૂા. 57,700નો મુદામાલ કબ્જે

જામનગર શહેરમાં વામ્બે આવાસ, ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા અને મજૂરીકામ કરતાં વૃઘ્ધના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો એક લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીના બનાવમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે બે તસ્કરોને ઝડપી લઇ રૂા. 57,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં વામ્બે આવાસ, જૂના ત્રણ માળિયા ક્વાર્ટરમાં બ્લોક નંબર 19, રૂમ નંબર 24માં રહેતાં સુરેશભાઇ જીવરાજભાઇ મકવાણા (ઉ.વ.62) નામના વૃઘ્ધ તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા. તે દરમ્યાન તા. 13ના બપોરે બાર વાગ્યાથી તા. 14ના રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં રાખેલા પતરાંના કબાટની તિજોરી તોડી તેમાંથી રૂપિયા 20 હજારની કિંમતની કાનમાં પહેરવાની સોનાની બુટીની જોડ એક, રૂપિયા 15 હજારની કિંમતની સોનાની કારની સર એક, રૂા. 41,200ની કિંમતની સોનાની ત્રણ વિંટી તથા રૂા. 5900ની કિંમતનો હાથમાં પહેરવાનો ચાંદીનો પટ્ટો અને રૂપિયા 20 હજાર રોકડા તથા રૂપિયા 500ની કિંમતનું સોનાનું કાનનું બુટિયુ સહિત કુલ રૂપિયા 1,06,200ની કિંમતની માલમત્તા ચોરી કરી ગયા હતા.

ચોરીના બનાવ અંગે હે.કો. ખીમશીભાઇ ડાંગર, પો.કો. દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ. એ. ધાસુરા, પીએસઆઇ વી. બી. બરસબીયા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, રાજનભાઇ કનોજિયા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, ખિમશીભાઇ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ધરારનગર-1, સાત નાલા પાસેથી બાતમી મુજબના બે શખ્સોને આંતરીને તેની તલાશી લેતાં અલી રજાક ભગાડ (રહે. વામ્બે આવાસ, જૂના 3 માળિયા) અને અશોક અમૃતલાલ વડગામા (રહે. હર્ષદ મીલની ચાલી) નામના બન્ને શખ્સ પાસેથી સોનાની બુટી, ત્રણ વિંટી, એક કાનની સર અને રૂા. 10,500ની રોકડ સહિત રૂા. 57,700નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular