જામનગર તાલુકાના વસઇ ગામ નજીકના વાડી વિસ્તારમાં યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર-ખંભાળિયા માર્ગ પરના વાડી વિસ્તારમાં વસઇ ગામ નજીક ગંભીરસિંહ જાડેજા નામના યુવાન તેના ખેતરે ગયા હતા ત્યારે ત્યાં રહેલા રણજિતસિંહ ગુલાબસિંહ જાડેજા અને હરદીપસિંહ રણજિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ અહીં રસ્તામાં પાણા કેમ નાખ્યા છે? તેમ કહી ગંભીરસિંહ સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગંભીરસિંહએ ઘરે જઇને અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને આ બાબતની જાણ કરતાં અજયસિંહ રણજિતસિંહને સમજાવવા ગયા હતા ત્યારે બન્ને શખ્સોએ અજયસિંહ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ સી. ટી. પરમાર તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


