જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં અમર રેસીડેન્સીમાં મકાનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. જામનગરની હરિયા કોલેજ નજીક કચરો સળગાવતા પાસે રહેલું ઝાડનું થડ પણ સળગતા ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લીધી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં વાલ્કેશ્ર્વરી વિસ્તારમાં આવેલ આદર્શ હોસ્પિટલ નજીક અમર રેસીડેન્સીમાં રૂમ નંબર 203 માં પરાગભાઈ શાહના મકાનમાં અકસ્માતે આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે બેડરૂમમાં એસી, ફર્નિચર સહિતનો સામાન આગને ઝપેટમાં આવી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હરીયા કોલેજમાં વડના ઝાડ પાસે કચરો સળગાવવામાં આવ્યો હોય. આ દરમિયાન ઝાડનું થડ પણ સળગતા ઝાડની ડાળી આગને ઝપેટમાં આવી નીચે પાર્ક કરાયેલા વાહનો ઉપર પડતા વાહનોમાં પણ આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.