જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલા મોબાઇલના શો-રૂમમાં નોકરી કરતા બે શખ્સોએ મોબાઇલ અને એસેસરીઝના વેચાણની 22 લાખ જેટલી માતબર રકમ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી માલિકી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પર રહેતા વિજેશ પ્રેમજીભાઈ જાદવાણી નામના પટેલ યુવાનની જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી ઉમિયા મોબાઇલ નામના શો-રૂમમાં ફરજ બજાવતા રાજકોટના આનંદ પ્રતાપ સંપટ અને જામનગરા ચેતન ગોવિંદ પાથર નામના બન્ને કર્મચારીઓએ ઓગસ્ટ 2022 થી લઇને આજ દિવસ સુધીના ચાર માસના સમયગાળા દરમિયાન શો-રૂમમાંથી મોબાઇલ તથા એસેસરીઝના વેંચાણની રૂા.4,95,906 ની રકમ બેંક ખાતામાં જમા કરાવી ન હતી અને પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી નાખી હતી. તેમજ માલિક વિજેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી આ ચાર માસ દરમિયાન રૂા.17,34,010 ની કિંમતના 25 નંગ મોબાઇલનું બારોબાર વેંચાણ કરી નાખ્યું હતું. આમ, બંને કર્મચારીઓએ કુલ રૂા.22,29,916 ની રકમ ઉચાપાત કરી વિશ્ર્વાસઘાત કર્યો હતો.
આ અંગેની મોબાઇલ શોરૂમના માલિક વિજેશભાઈને જાણ થતા તેણે બન્ને કર્મચારીઓ વિરૂધ્ધ સિટી બી ડિવિઝનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે ગુનો નોંધી બન્ને કર્મચારીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.