ફોરેસ્ટ વિભાગ દ્વારા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાતા તેને ધ્વસ્ત કરી દારૂ બનાવવાની કાચી સામગ્રીનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ પોરબંદર વન વિભાગના નાયબ સંરક્ષક અરુણ કુમાર (આઈ.એફ.એસ.) ના સીધા માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.કે. પિંડારિયા દ્વારા ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા અભયારણ્યની ભાણવડ રેન્જ હેઠળના વિસ્તારમાં અનધિકૃત પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને શુક્રવારે આર.એફ.ઓ. કે.કે. પિંડારિયા દ્વારા બરડા અભયારણ્યમાં થતી ગેર પ્રવૃતિ નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી અને કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બરડા વિસ્તારમાં આવેલા પાછતર રાઉન્ડની ધ્રામણી નેસ વિસ્તારમાં પહોંચતા આ સ્થળે દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠીઓ જોવા મળી હતી. આથી આ સ્થળ પર રહેલા 200 લીટરની ક્ષમતા વાળા દારૂ બનાવવા માટેના છ નંગ બેરલ તથા દારૂ બનાવવાની કાચી સામગ્રીનો મુદ્દા માલ મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરાયો હતો. આ કામગીરીમાં રેન્જ ફોરેસ્ટર એમ.આર. સોઢા, બી.એમ. ભરડા તથા કે.એલ. ચાવડા તેમજ સ્ટાફ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરી, અને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.