ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંખ્યાબંધ લૂંટોને અંજામ આપનાર અને 16 વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશની લૂંટ અને ધાડના મુખ્ય સૂત્રધારબંધુઓને પેરોલ ફર્લો સ્કવોર્ડે ગાંધીધામના મીઠી રોહરમાંથી દબોચી લઇ વલસાડ પોલીસને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજ્યના વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2005-06 માં થયેલી લૂંટ અને ધાડ સહિતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા મધ્યપ્રદેશની લૂંટ-ધાડ ગેંગનો મુખ્ય સૂત્રાધાર સબુર બદીયા ભુરિયા અને ફકરુ બદીયા ભુરીયા (રહે.કાસલા ગામ, જાંબુઆ, મધ્યપ્રદેશ) નામના બે ભાઈઓ છેલ્લાં 16 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતાં. આ બન્ને લૂંટારુઓ અંગેની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના કાસમ બ્લોચ, લગધીરસિંહ જાડેજા, ભરત ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે કચ્છના ગાંધીધામ પાસે આવેલા મીઠી રોહર ગામમાંથી બન્ને ભાઈઓને દબોચી લીધા હતાં અને બન્ને લૂંટારાઓને જિલ્લા પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.