જામજોધપુરના સમાણા ગામમાં વર્ષ 2011માં એક ખેતર પાસે ક્રિકેટ રમતા બે શખ્સને ખેતર માલિક ના પાડવા જતાં તેના પર બેટથી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા બંને આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.25-25 હજારનો દંડનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામના સમાણા ગામમાં રહેતાં જયશ્રીબેન જયંતીભાઈ વાદી નામના મહિલાના પતિ જયંતીભાઈ હિરજીભાઈ વાદીના ખેતર પાસે ગત તા.25-9-2011 ના રોજ દિનેશ ડાયાભાઈ વાઘેલા ઉર્ફે જમન તથા ભુપેન્દ્ર ડાયાભાઈ વાઘેલા ઉર્ફે ધીરુ સહિતના શખ્સો ક્રિકેટ રમતા હતાં. આ વેળાએ જયંતીભાઈએ મારા ખેતર પાસે ક્રિકેટ ન રમો. પાકને નુકસાન થાય છે. તેમ કહેતાં ઉશ્કેરાયેલા બંને શખ્સોએ ગાળો ભાંડી દિનેશે પોતાના હાથમાં રહેલું બેટ જયંતીભાઈના માથામાં ફટકાર્યુ હતું. જ્યારે ધીરુએ પણ બેટથી હુમલો કરી માર માર્યો હતો. જીવલેણ ઈજા પામેલા જયંતીભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા પોલીસે જયશ્રીબેનની ફરિયાદ પરથી હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગુનાની તપાસ બાદ પોલીસે જામજોધપુર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ હતું. જામજોધપુર કોર્ટ દ્વારા આ કેસ જામનગર સેશન્સ કોર્ટમાં કમિટ કરવા મોકલી આપ્યો હતો. આ કેસ ચાલી જતાં એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી.પી. અગ્રવાલ એ બંને આરોપીઓને આઈપીસી કલમ 307, 114ના ગુનામાં તકસીરવાન ઠેરવી બંનેને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા. 25-25 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ 6 મહિનાની સજા ફરમાવતો હુકમ કર્યો છે. સરકાર તરફે આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર રોકાયા હતાં.