કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ન્યૂઝ પોર્ટલ્સ, સેટેલાઈટ ટીવી ચેનલ્સ, ઓટીટી પ્લેટફોર્મ વગેરેને બેટિંગની જાહેરાતો ન બતાવવાની તાકીદ કરી છે. ઓનલાઈન સટ્ટાખોરી રોકવાના ભાગરૃપે આ નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નવા સૂચન પ્રમાણે ઓનલાઈન સટ્ટાખોરીને ઉત્તેજન આપતી જાહેરાતો ન દર્શાવવી હિતાવહ છે. સેટેલાઈટ ન્યૂઝ ચેનલો, ઓટીટી પ્લેટફોર્મ્સ, નવા શરૃ થઈ રહેલા ન્યૂઝ પોર્ટલ્સ વગેરેમાં સટ્ટાખોરીની વેબસાઈટ્સ કે એપને લગતી જાહેરાતો વધી ગઈ છે. તેના કારણે લોકો ઓનલાઈન સટ્ટાખોરી તરફ વળી રહ્યા છે. આ સ્થિતિ રોકવા માટે કેન્દ્ર સરકારે સક્રિયતા બતાવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને ન્યૂઝ પોર્ટલ્સ, સેટેલાઈટ ટીવી ચેનલ, ઓટીટી પ્લેટફોર્મ વગેરેને ઓનલાઈન જાહેરાતોમાં બેટિંગની જાહેરાતો ન દર્શાવવાનું સૂચન કર્યું છે, સાથે સાથે એવી પણ તાકીદ કરવામાં આવી છે કે જો આ નોટિસને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકાર દંડ ફટકારી શકે છે. ઓનલાઈન-ઓફશોર બેટિંગ પ્લેટફોર્મ કે એવી વેબસાઈટનો ફેલાવો ન થાય તે માટે આ નિર્દેશ અપાયો હતો.
અગાઉ જુલાઈ માસમાં પણ બાળકોને નિશાન બનાવતી ભ્રામક જાહેરાતો ન દર્શાવવા ઓનલાઈન પ્લેટફોર્મ અને સેટેલાઈટ ચેનલ્સને તાકીદ કરી હતી. ડિજિટલ મીડિયામાં જાહેરાતો નિયંત્રિત કરવા માટે સરકારે છેલ્લાં થોડા સમયમાં બે નોટિફિકેશન આપ્યા હતા.