જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતો યુવાન તેનું મોટરસાઈકલ લઇ મોટી બાણુંગાર પાસેથી પસાર થતા હોય આ દરમિયાન બેફીકરાઇથી આવી રહેલા ટેન્કરચાલકે ઠોકરે ચડાવતા બાઈકસવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના જાંબુડા ગામમાં રહેતો નારણ ધીરુભાઈ સરવૈયા નામના યુવાન ગત તા.17 માર્ચના રોજ પોતાનું જીજે-10-ડીકે-9403 નંબરનું મોટરસાઈકલ લઇ મોટીબાણુંગાર ગામ નજીકના હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં આ દરમિયાન જીજે-12-બીઝેડ-2041 નંબરના ટ્રકચાલકે પોતાનો ટ્રક ફુલસ્પીડમાં અને બેફીકરાઇથી ગલફતભરી રીતે ચલાવી બાઈકચાલકને હડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઈકચાલક નારણ ધીરુભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.21 ના રોજ સાંજના સમયે તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગે ફરિયાદીના ભાઈ વિપુલભાઈ ધીરુભાઇ સરવૈયાએ પોલીસને જાણ કરતા પંચ એ પીએસઆઈ એમ.એન. સાકરીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી હતી.


