મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસને 1 મહિના સુધી રદ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના 2410 કેસ નોંધાયા છે.
મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વે હઝરત નિઝામુદ્દીન-સિકંદરાબાદ, એર્નાકુલમ-પટના, અમદાવાદ-સુલ્તાનપુર, અમદાવાદ-પટણા અને અમદાવાદ-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવશે. લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે નવી ટ્રેનો સાથે, રેલ્વેએ પણ આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે અને આ નવી ટ્રેનોની સંપૂર્ણ સૂચિ પણ બહાર પાડી છે. મુસાફરી દરમિયાન રેલ મુસાફરોએ COVID પ્રોટોકોલનું પાલન કરવું આવશ્યક છે.
આઇઆરસીટીસી દ્રારા સંચાલિત ટ્રેન સંખ્યા 82902/82901 અમદાવાદ-મુંબઇ સેંટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ આજેથી એક મહિના સુધી એટલે કે 30 અપ્રિલ સુધી રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,183 કેસ નોંધાયા છે. 32,641 લોકોને રજા આપવામાં આવી અને 249 લોકોનાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસ 28,56,163 છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 2410 કેસ નોંધાયા છે. અમદાવાદ અને મુંબઈમાં કોરોનાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. માટે તેજસ એક્સપ્રેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.