દ્વારકાના મુખ્ય ચોક અને ટ્રાફિકથી વ્યસ્ત રહેતા ત્રણ બત્તી ચોકની બાજુમાં આવેલી ડો. બહેરાની હોસ્પિટલ તેમનું અવસાન થયા બાદ ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે.
જર્જરિત બની ચૂકેલી આ બિલ્ડીંગની છતનો અમુક કાટમાળ મંગળવારે રાત્રિના અચાનક નીચે પડતા, નીચે રહેલી એક ખાણીપીણીની લારી પાસે ઉભેલા મહિલા તથા તેમની દોઢ વર્ષની માસુમ પુત્રીના માથાના ભાગે આ મકાનનો એક ભાગ પડતા માતા-પુત્રી ઘાયલ થયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા આ માતા-પુત્રીને સારવાર અર્થે દ્વારકાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં દોઢ વર્ષની બાળકીનું ટૂંકી સારવાર બાદ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ બાળાના માતાને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા પોલીસ તથા પાલિકાનો સ્ટાફ ધટના સ્થળ પર દોડી ગયો હતો.
અત્રે ઉલ્લેખની છે કે દ્વારકા પૌરાણિક શહેર હોવાથી હજુ પણ કેટલીક બિલ્ડીંગો જૂની છે અને તેનો કાટમાળ ગમે ત્યારે તૂટી પડવાની ભીતિ હોય, તંત્ર દ્વારા આવી બિલ્ડીંગોને તોડી પાડવાની કાર્યગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. મંગળવારે રાત્રીના જે ગંભીર ધટના બની છે, તે બિલ્ડીંગ નીચે ખાણીપીણીની લારીઓ આજે પણ ઉભી રહેતી હોવાથી અને તે સ્થળે દરરોજ મોટી સંખ્યામાં લોકો નાસ્તો કરવા આવતા હોવાથી, કોઇ ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ કાર્યવાહી કરવી જરૂરી ગણવામાં આવે છે.
મંગળવારે સર્જાયેલા આ બનાવ બાદ સ્થાનિક નગરપાલિકાના સ્ટાફે ધટના સ્થળે પહોચી, બનાવ સ્થળની સમીક્ષા કરીને આ બિલ્ડીંગના લાગતા-વળગતાઓને નોટીસ આપવા અંગેની કાર્યવાહી કરી હતી. સાથે સાથે યુધ્ધના ધોરણે આ ઈમારતને રીપેર કરવા સુચના આપવામાં આવી હોવાનું દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.