ખંભાળિયા તાલુકા અને તેમાં પણ ખાસ કરીને સલાયા પંથક દાયકાઓ અગાઉ દાણચોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે કુખ્યાત વિખ્યાત બન્યું હતું. આ પછી તાજેતરમાં રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી ઝડપાયેલા ડ્રગ્સના તોતિંગ જથ્થામાં સલાયા પંથક ડ્રગ્સ હેરાફેરી માટેનું પ્રવેશદ્વાર સાબિત થયું છે.
ગત તારીખ 10મી નવેમ્બરના રોજ ખંભાળિયા તાલુકામાંથી ઝડપાયેલો રૂ. 315 કરોડની કિંમતનો ડ્રગ્સનો તોતિંગ જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઝડતી લેતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર સાથે ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોમાં દોડધામ મચાવી દીધી હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની નોંધપાત્ર કામગીરીને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મીડિયા જગતએ પણ ભરપેટ વખાણ કરી અને તેમની આ જહેમતને બિરદાવી હતી. અસામાજિક પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને નિયમિત રીતે જિલ્લાના કર્મીઓ બિરદાવે છે.
પરંતુ મહત્વની બાબત તો એ છે કે રૂપિયા 315 કરોડની કિંમતના ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની નિયમિત તથા પૂરતી માહિતી આપવામાં આવતી નથી. આ કામગીરીમાં તાજેતરમાં ઝડપાયેલા આરોપીઓમાં એક નાઇજીરીયન શખ્સને દિલ્હીથી તથા અન્ય એક શખ્સને સલાયામાંથી પોલીસે ઝડપી લઇ અને બીજા દિવસે રિમાન્ડ મેળવ્યા પછી પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. મહત્ત્વની બાબતતો એ છે કે ગુનેગારોના ખુલ્લા મોઢાના ફોટા પોલીસ દ્વારા દર્શાવવામાં આવ્યા નથી. પોલીસ દ્વારા કુખ્યાત ગુનેગારોના કાળું કપડું ઢાંકેલા ફોટા જ આપવામાં આવ્યા છે. જ્યારે મોરબી, જામનગર સહિતના અન્ય વિસ્તારોમાંથી ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણના આરોપીઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી તસવીરો જાહેર થઇ છે.
આ વચ્ચે મહત્ત્વની બાબત તો એ છે કે આ પ્રકરણના તપાસનીસ એસ.ઓ.જી. અધિકારીઓ પત્રકારોને ફોન ઉપાડતા નથી. જ્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ફોન ઉપર માહિતી આપવામાં આવે છે. જો એસ.પી. ફોન ઉપાડે અને પી.આઈ. ફોન પર માહિતી આપવાથી દૂર ભાગે તે બાબત કેટલા અંશે યોગ્ય ગણાય…???
કોઈપણ ગુનામાં પોલીસ દ્વારા ગુનેગારો સહિતની વિગતો તાત્કાલિક આપવામાં આવે છે. પરંતું દેવભૂમિ દ્વારકા પોલિસ અને ખાસતો જેને ઐતિહાસિક ક્રેડિટ મળી છે તે એસ.ઓ.જી. પોલીસ દ્વારા પત્રકારોને જોઈતી માહિતી આપતી નથી. આથે ગુનેગાર અસામાજિક તત્વો સંપૂર્ણ રીતે સમાજમાં ખુલ્લા પડી શકતાં નથી.
આ પ્રકરણમાં નાણાકીય હવાલાઓ સહિતની આર્થીક બાબતો પ્રકાશમાં આવી નથી. તે બાબતે પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ તેમજ તે અંગેની જાહેર ન કરવામાં આવેલી વિગતો સંદર્ભે પણ પત્રકાર આલમમાં કચવાટની લાગણી પ્રસરી છે.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ એ.ટી.એસ. વિભાગ કે જે મહત્વની જવાબદારી અદા કરી રહ્યો છે, તેમના અધિકારીઓ પણ ફોન ઉપર માહિતી આપે છે. પરંતુ જિલ્લા એસ.ઓ.જી. પોલીસ પાસેથી કોઇપણ પ્રકારની માહિતી મેળવી શકાતી નથી. આમ, પોલીસની આવી નીતિ-રીતિ હાલ જિલ્લાના પત્રકારોમાં ચર્ચાસ્પદ બની છે.