જામનગર જિલ્લામાં આગામી તા. 01 મેના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તેમજ રાજકીય/ બિન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ થઈને સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર પોલીસ પરેડ કાર્યક્રમ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ માટે આ રૂટ પર કોઈપણ જાતની અડચણ ઉભી ન થાય તે હેતુથી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ અટકાવવો જરૂરી છે.
તેથી, ઉપરોક્ત કાર્યક્રમના સ્થળે ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા, ટ્રાફિક વૈકલ્પિક રસ્તા પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા માટે અને મહાનુભાવોની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ, તમામ પ્રકારના વાહનોના પ્રવેશ માટે આગામી તા. 28 એપ્રિલથી લઈને તા. 30 એપ્રિલ સુધી સવારના 07:00 કલાકથી 10:00 કલાક સુધી અને સાંજના 04:00 કલાકથી લઈને 07:00 કલાક સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો એક તરફનો રસ્તો બંધ રહેશે.
તેમજ આગામી તા. 01 મે ના રોજ 12:00 કલાકથી 24:00 કલાક સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીના બંને સાઈડના રોડ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકોએ ઉપરોક્ત રસ્તાની બદલે સાત રસ્તા સર્કલથી લઈને એસ. ટી. બસ સ્ટેન્ડ તરફનો માર્ગ તથા ટાઉન હોલ- તીનબતી- અંબર સર્કલ તરફનો માર્ગ વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
ઉપરોક્ત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ- 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઈમરજન્સી સેવામાં રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો અને ફાયર સર્વિસને બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહીને જરૂર જણાવા પર ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુક્મમાંથી મુક્તિ આપવામાં આવશે.