કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ટંકારિયા ગામમાં રહેતી મહિલાએ થોડાં સમયથી થયેલા માથાના દુખાવાથી કંટાળીને ઝેરી ટીકડાં ખાઇ આપઘાત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વતની યુવાનનું ઓખા નજીક દરિયામાં કોઇ કારણસર પાણીમાં ડૂબી જવાથી મોત નિપજયું હતું.
પ્રથમ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ટંકારીયા ગામે રહેતા મણીબેન ભરતભાઈ કાગડીયા નામના 27 વર્ષના પરિણીત મહિલાને છેલ્લા કેટલાક સમયથી માથાનો દુખાવો રહેતો હોય, જેનાથી કંટાળીને ગત તારીખ 13 ના રોજ તેમણે પોતાના હાથે ઘરમાં રહેલા અનાજમાં મૂકવાના ટીકડા ગળી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ ભરતભાઈ જીવાભાઈ કાગડીયા (ઉ.વ. 38) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
જ્યારે બીજો બનાવ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રહીશ વાહજીભાઈ બાજુજી ધોરી નામના 45 વર્ષના ઠાકોર યુવાન મંગળવાર તારીખ 13 ના રોજ ઓખા નજીકના દરિયા કિનારેથી કોઈ કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ કરાતા ઓખા મરીન પોલીસે સ્થળ પર પહોંચી જઇ દરિયામાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


